અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ
મંકી કેપ પહેરીને આવેલા લૂંટારા દ્વારા
મિત્ર સાથે કારમાં બેસી વાતો કરી રહી હતી તે દરમિયાન બનેલી ઘટના
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને લૂંટની
ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજ નર્મદા કેનાલ પાસે વધુ એક લૂંટની ઘટના બહાર આવી છે.
જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના સાબરમતી ખાતે કર્ણાવતી
નગરમાં રહેતી ઉર્મી કીરીટભાઈ ગોસલીયા ગાંધીનગરની કોલેજમાં આઇટી એન્જિનિયરિંગનો
અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજના સમયે તે તેના મિત્ર મનીષ મણીલાલ પરમાર સાથે કારમાં
અંબાપુર નર્મદા કેનાલ આવી હતી અને અહીં બંને કેનાલ ઉપર કાર ઉભી રાખીને વાતો કરી
રહ્યા હતા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ મંકી કેપ પહેરીને તેમની ગાડી પાસે આવ્યો હતો.
તેણે ટોર્ચ વડે ગાડીમાં જોયા બાદ ઉર્મીના ગળામાંથી ૨૫ હજારની કિંમતની સોનાની ચેઈન
ખેંચીને તોડી નાખી અને કેબલ બ્રિજ તરફ ભાગી ગયો હતો. મનીષે તેનો પીછો કર્યો હતો, પરંતુ તે પકડાયો
ન હતો. જેથી બંને જણા ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં
ફરિયાદ આપતા પોલીસ દ્વારા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધવું રહેશે કે
છેલ્લા ઘણા સમયથી નર્મદા કેનાલ આસપાસ લૂંટની ઘટનાઓ અટકી ગઈ હતી ત્યારે હવે ફરીથી
શરૃ થતા આ વિસ્તારમાં આવતા નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.