Gujarat

સોની વેપારીનું રૂા.31.77 લાખનું સોનું સુરેન્દ્રનગરનો ગ્રાહક ઓળવી ગયો

By GS TEAM
14 Oct 20252 mins read
સોની વેપારીનું રૂા.31.77 લાખનું સોનું સુરેન્દ્રનગરનો ગ્રાહક ઓળવી ગયો

એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ

સોનાના બે બિસ્કીટ અને નેકલેસ લઈ જઈ પેમેન્ટનો સમય આવતાં મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો

રાજકોટ: કોઠારિયા ગામમાં નચિકેતા હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતાં અને પેલેસ રોડ પર ટંકારા કોમ્પલેક્ષમાં એનેક્ષ ગોલ્ડ નામની દુકાન ધરાવતાં કિશનભાઈ કાકડીયા (ઉ.વ.ર૮)નું રૂા.૩૧.૭૭ લાખનું સોનું સુરેન્દ્રનગરમાં રહેતો આરોપી હર્ષ દિપક સીનોજીયા ઓળવી ગયાની ફરિયાદ એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. 

ફરિયાદમાં કિશને જણાવ્યું છે કે ગઈ તા.ર૬ના રોજ મિત્ર ડેનીશ ગોધાણીએ કોલ કરી કહ્યું કે આરોપી તેનો મિત્ર છે. તેની દુકાને સોનાના દાગીના લેવા આવશે. બપોરે આરોપી તેની દુકાનેથી બે સોનાના નેકલેશ લઈ ગયો હતો. તે વખતે કહ્યું કે એક નેકલેશ રાખી તેનું પેમેન્ટ આપી દઈશ. બીજા દિવસે આરટીજીએસથી એક નેકલેશના રૂા.૮.૮૭ લાખ ચુકવ્યા હતા. બીજુ નેકલેશ પરત આપ્યું ના હતું. 

ગઈ તા.૧ના રોજ આરોપી ફરીથી તેની દુકાને આવી ૧૦૦ ગ્રામ વજનનું રૂા.૧ર.૦૭ લાખની કિંમતનું સોનાનું બિસ્કીટ લઈ ગયો હતો. બીજા દિવસે રૂા.૧ર.૧૯ લાખની કિંમતનું બીજું બિસ્કીટ લઈ ગયો હતો. સાંજ સુધીમાં રૂા.રપ લાખ આપવાની વાત કરી હતી. પરંતુ મોડી રાત સુધી પેમેન્ટ કર્યું ના હતું.  આરોપીને બીજા દિવસે કોલ કરતાં અઠવાડિયામાં પેમેન્ટ કરાવી આપવાની વાત કરી હતી. આ પછી આરોપીએ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. 

આ રીતે સોનાના બે બિસ્કીટ અને નેકલેશના રૂા.૩૧.૭૭ લાખ નહીં ચુકવતાં આખરે તેના વિરૂધ્ધ આજે ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.