સોનાની બુટ્ટી બનાવવા માટે આપેલું ૯ લાખનું સોનું કારીગર ઓળવી ગયો
બંગાળી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
આરોપીએ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો, ઘરેથી પણ ભાગી ગયો
રાજકોટ : હાથીખાના શેરી નં. ૬/૧૫માં રહેતા અને જૂની ગધીવાડમાં માધવ
દર્શન કોમ્પ્લેક્સમાં જસ્મીન મશીન કટ નામની દુકાન રાખી સોનાના દાગીના બનાવવાનું
અને વેચવાનું કામ કરતા મોહમ્મદ હક્ક (ઉ.વ.૪૯) એ કાનની બુટ્ટી બનાવવા આપેલુ રૃા.
૯.૦૯ લાખનું સોનુ બંગાળી કારીગર હસનઅલી સૈયફુલ આલમ શેખ (રહે. હાલ રામનાથપરા મેઇન
રોડ) ઓળવી ગયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
જેમાં મોહમ્મદે જણાવ્યું છે કે આરોપીને તે છેલ્લા એકાદ
વર્ષથી ઓળખે છે. આરોપીને તેણે ૧૦૦ ગ્રામ ફાઇન સોનાનું એક બિસ્કિટ, ૨૯ ગ્રામનો
સોનાનો ચેઇન કાનની બુટ્ટી બનાવવા માટે આપ્યો હતો. જે પાંચ દિવસમાં તૈયાર કરી
આપવાની વાત થઇ હતી.
પાંચ દિવસ પછી પણ આરોપીએ બુટ્ટી નહીં આપતા કોલ કરતાં મોબાઇલ
ફોન સ્વીચ ઓફ મળ્યો હતો. જેથી ઘરે જઇ તપાસ કરતાં મકાન માલિકે જણાવ્યું કે આરોપી
ક્યાંક જતો રહ્યો છે. આ રીતે આરોપી તેનું રૃા. ૯.૦૯ લાખનું સોનુ ઓળવી જતાં આખરે
તેના વિરૃધ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે,
બંગાળી કારીગરો વેપારીઓ દ્વારા દાગીના બનાવવા માટે અપાતું સોનુ છાશવારે લઇ
ભાગી જતા હોવાના કિસ્સા અવારનવાર પોલીસ મથકે પહોંચે છે.