વડોદરા,સીનિઅર સિટિઝનના ઘરે કામ કરવા આવતી મહિલાએ ઘરમાંથી સોનાના સાડા પાંચ તોલા વજનના દાગીના તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની શંકા સાથે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
તરસાલી સોમા તળાવ રિંગ રોડ પર મારૃતિધામ સોસાયટીમાં રહેતા સીનિઅર સિટિઝન અશોક પ્રતાપરાવ સાતભાઇએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમે વયોવૃદ્ધ હોઇ અમારા ઘરે કામ કરવા માટે છાયાબેન મનોજભાઇ બારિયા (રહે. ઘાઘરેટિયા ગામ, સોમા તળાવ) ને છેલ્લા ચાર વર્ષથી રાખ્યા હતા. ગત ૧ લી જાન્યુઆરીએ અમારી બાજુમાં રહેતા નિમીતાબેન ચેતનભાઇ ગુજરે જણાવ્યું હતું કે, આપણા ઘરે કામ કરવા આવતી છાયાબેને મારા ઘરમાં ચોરી કરી છે. મેં તેના વિરૃદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેથી, અમે અમારા ઘરે ચેક કરતા પ્રથમ માળે બેડરૃમમાં લાકડાના કબાટમાંથી સોનાના સાડા પાંચ તોલા વજનના તેમજ ચાંદીના દાગીના ગાયબ હતા. આ ચોરી અંગે અમને છાયાબેન પર શંકા છે.


