Get The App

શ્રીફળ,ચા, દૂધ, નાસ્તો, સુકોમેવો, શાક, તેલ, ફરસાણ, વાહનો, સોના-ચાંદી બધ્ધુ મોંઘું થયું

Updated: Oct 31st, 2024

GS TEAM


Google News
Google News
શ્રીફળ,ચા, દૂધ, નાસ્તો, સુકોમેવો, શાક, તેલ, ફરસાણ, વાહનો, સોના-ચાંદી બધ્ધુ મોંઘું થયું 1 - image


Rajkot News | આજે લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે દિવાળી પર્વને મનાવશે, મોંઘવારી અને મંદીને વિસારે પાડીને આનંદોત્સાહના લહેરાતા સાગરમાં ડુબકી મારશે ત્યારે ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પર્વ ઉજવણી માટે અને મહેમાનોના સ્વાગત માટે  જરૂરી મોટાભાગની ચીજવસ્તુઓ જેવી કે ચા, દૂધ, શ્રીફળ, સુકોમેવો, ખાદ્યતેલ (મબલખ પાક છતાં), તમામ શાકભાજી, વાહનો, સોના ચાંદી ,મિઠાઈ, ફરસાણ, ફર્નિચર, ઈલેક્ટ્રોનિક વસ્તુ, ફૂલ જેવી વસ્તુઓના ભાવમાં સરેરાશ 20-25 ટકા જેવો ઉછાળો આવ્યો છે. 

સોના-ચાંદીના વેપારીઓએ જણાવ્યું કે પરંપરા મૂજબ પુષ્યનક્ષત્ર,ધનતેરસ જેવા દિવાળી પૂર્વેના દિવસોએ ગ્રાહકોની સંખ્યા તો એકંદરે જળવાઈ હતી અને ક્યાંક વધારે જોવા મળી હતી પરંતુ, સોના-ચાંદીનો વેચાયેલ જથ્થામાં ગત વર્ષની સાપેક્ષે આશરે 25થી 30 ટકા જેવો ઘટાડો નોંધાયો છે. લોકો ખરીદી કરવા ઉત્સુક રહ્યા પણ ભાવ સાંભળીને માત્ર શૂકનપુરતી ખરીદી કરી છે. ગત વર્ષે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ।. 60,000 આસપાસ હતો તે આ વખતે 82,000એ પહોંચાડી દેવાયો છે તો એક કિલો ચાંદીનો ભાવ રૂ।. 71000 માં આશરે 42ટકાનો તોતિંગ વધારો થતા એક લાખે પહોંચ્યો છે. આ વધેલા ભાવ લોકોની પહોંચ બહારના છે. મધ્યમવર્ગીય માણસ શોખ, રિવાજ, સામાજિક વ્યવહાર માટે સોનુ ખરીદવા ઈચ્છે છે પરંતુ, ભાવ ઘટે તેની રાહ જુએ છે. 

વાહનોના ભાવ વધવાની સાથે તેના પર વસુલાતા રોડટેક્સ, વિમાથી માંડીને ટોલટેક્સનો અસહ્ય બોજ છે. ટુ વ્હીલર માટે પેટ્રોલ હજુ મોંઘુ જ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડાનો લાભ મળ્યો નથી. ઈલેક્ટ્રોનિક વસ્તુઓથી માંડીને ફર્નિચરના ભાવમાં પણ દિવાળી નજીક આવતા વધારો થયો છે. 

મોજશોખને ભૂલીને ખાવાપીવાની વસ્તુઓમાં પણ અસહ્ય ભાવવધારો થયો છે. આસામ,બંગાળમાં ચાના ઉત્પાદનને ક્લાઈમેટની માઠી અસરના અહેવાલના પગલે કિલો ચાએ રૂ।. 40થી 50નો વધારો તાજેતરમાં અમલી કરાયો છે. દૂધના ભાવ પહેલેથી જ વધારી દેવાયા છે અને ચોખ્ખુ ઘી તો ચોખ્ખા ઘીના ભાવ ચૂકવવા છતાં મળવું મૂશ્કેલ બની ગયું છે. મિઠાઈના ભાવમાં પ્રતિ કિલોએ રૂ।. 40થી 100 જેવો વધારો છે. બેશનના ભાવમાં વધારો થતા ઘરે ફરસાણ પણ મોંઘુ થઈ રહ્યું છે. દિવાળીએ પૂજન અને મહેમાનોના સ્વાગત માટે સુકા મેવાનો વપરાશ વધતો હોય છે અને બદામ જેવા ડ્રાયફ્રૂટમાં કિલોએ રૂ।. 200 જેવો વધારો કરાયો છે. 

ફાફડાં ગાંઠિયામાં તાજેતરમાં જ પ્રતિ કિલોએ રૂ।. 40નો વધારો કરાયો છે. મોંઘવારીથી રાહત મેળવવા ભગવાનની પૂજા કરો તો શ્રીફળના ભાવમાંં આ વર્ષે પ્રતિ નંગ રૂ।.10-20 જેવા વધારી દેવાયા છે.તો ગુલાબના ફૂલના ભાવ આસમાને પહોંચ્યા છે. સિંગતેલનો રેકોર્ડબ્રેક 58 લાખ ટનનો પાક છતાં તેલલોબીએ માત્ર છ દિવસમાં પ્રતિ 15 કિલો ડબ્બાએ રૂ।. 65નો ભાવ વધારો ઝીંકી દીધો છે અને કપાસિયા,પામતેલ તો કસ્ટમડયુટી વધ્યા પછી ડબ્બાએ રૂ।. 400થી 500નો વધારો થયો છે.  મોંઘવારીના વિકાસની સાથે માર્ગોનો વિનાશથી લોકોની હાલાકી વધી છે. ભંગાર રસ્તા એ સામાન્ય સમસ્યા નથી, આ રસ્તાથી પેટ્રોલ-ડીઝલમાં વધારે ખર્ચ  ઉપરાંત વાહનોનો જાળવણી ખર્ચ વધ્યો અને લોકોના હાડકાં પણ હચમચી ગયા છે. 

Tags :