શહેરમાં 100 કરોડનું સોનુ-ચાંદી, 1500 જેટલી કાર અને 8000 ટુ વ્હીલર વેચાયા

વડોદરાઃ ધનતેરસના પર્વને સોના ચાંદીની સાથે સાથે વાહન ખરીદી માટે પણ શુભ માનવામાં આવે છે.સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક વખતથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે.તેમ છતા આજે ધન તેરસના દિવસે શહેરમાં જ્વેલર્સની દુકાનો અને શો રુમો પર અપેક્ષા કરતા વધારે ઘરાકી જોવા મળી હતી.
સૂત્રોના કહેવા પ્રમાણે ઘરાકીમાં ગત વર્ષની ધનતેરસ કરતા ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો થયો હતો પણ તાજેતરના પુષ્ય નક્ષત્ર કરતા આજે ઘરાકી સારી રહી હતી.લગભગ ૧૦૦ કરોડ રુપિયાના સોના -ચાંદીનું વેચાણ થયું હતુ.સોનાનો ૧૦ ગ્રામનો ભાવ આજે ૧.૩૧ લાખ રુપિયાની આસપાસ અને ચાંદીનો એક કિલોનો ભાવ ૧.૭૦ લાખ રુપિયાની આસપાસ રહ્યો હતો.મોટાભાગના લોકોએ પુષ્ય નક્ષત્રની જેમ દાગીના કરતા સિક્કાની ખરીદી પર પસંદગી ઉતારી હતી.
આ જ રીતે આજે વાહનોની ખરીદી માટે પણ દશેરા જેવો ધસારો રહ્યો હતો.જીએસટી ઘટવાના કારણે ઓટોમોબાઈલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે.આજે એક અંદાજ પ્રમાણે ૧૫૦૦ થી ૨૦૦૦ કાર અને ૮૦૦૦ જેટલા ટુ વ્હીલરનું વેચાણ થયું હતું.
કેટલીક જગ્યાએ તો નાની કારનો સ્ટોક પણ નહીં હોવાના કારણે ગ્રાહકોને બૂકિંગ કરાવીને સંતોષ માનવો પડયો હતો.શો રુમ સંચાલકોનું કહેવું છે કે, કંપનીઓના પ્લાન્ટમાંથી શો રુમો સુધી કારો પહોંચાડવા માટે ટ્રકોના અભાવે આ સમસ્યા સર્જાઈ છે.