- વોર્ડ નં.4 ના મહિલા સદસ્યનું પણ નામ રદ્દ કરવા બાબતે વાંધા અરજી થઈ
- ડમી નામથી વાંધા ફોર્મ રજૂ થતા તપાસની માંગણી, ખોટી રીતે કોઈ મતદારનું નામ કમી નહીં થાય : મામલતદાર
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડામાં આશરે ૧૧૦૦ લઘુમતી સમાજ સહિતના આશરે ૧૧૦૦ જેટલા મતદારોના નામ સામે કાયમી સ્થળાંતર કરી ગયા હોવાના કારણે સાથે વાંધા અરજી કરી મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા અરજીઓ થઈ છે. પરંતુ ખરેખર મોટાભાગના સ્થાનિક મતદારો વર્ષોથી ગઢડામાં જ વસવાટ કરી રહ્યા હોવાનું અને સાચા મતદારો વિરૂદ્ધ કેટલાક લોકોના નામથી ફોર્મ રજૂ કરી ખોટી માહિતી દર્શાવી મતદાનથી વંચિત રાખવાનું આયોજનપૂર્વક ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. ફોર્મ નં.૭ મારફતે વાંધો રજૂ કરવા માંગતા અરજદાર તરફથી જોગવાઈ હોવા છતાં આધારકાર્ડ રજૂ ન કરી ફક્ત ચૂંટણીકાર્ડ નંબર દર્શાવવામાં આવ્યા છે. ત્યારે નાગરિકોને બંધારણીય હક્ક ઉપર તરાપ મારવા ઇચ્છતા લોકોની સીસીટીવી ફૂટેજ અને અન્ય સોર્સના માધ્યમથી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લઘુમતી સમાજ, કોંગ્રેસ અને મતદારોની માંગણી છે.
સાચા મતદારોને અન્યાય નહીં થવા દેવાની ખાતરી
સમગ્ર વિવાદ અંગે મામલતદાર સિદ્ધરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પોતાના સમક્ષ રજૂ થયેલી બાબતો ધ્યાન ઉપર લઈને યોગ્ય નિરીક્ષણ-તપાસ કરવામાં આવશે. કોઈ સાચા મતદારોને અન્યાય નહીં થાય તેવી ખાતરી પણ મામલતદારે આપી હતી.


