Gujarat

21મીએ ગોહિલવાડ બનશે યોગમય, બે લાખ જેટલા લોકો કરશે યોગાસન

By GS TEAM
19 Jun 20252 mins read
21મીએ ગોહિલવાડ બનશે યોગમય, બે લાખ જેટલા લોકો કરશે યોગાસન

11મા વિશ્વ યોગ દિવસની સિદસર સ્પોર્ર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાએ ઉજવણી

હાથબ  બંગલો, પારણા ભુવન સહિતના આઈકોનિક સ્થળો ઉપરાંત ૬૨ આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, ૨૬ પોલીસ સ્ટેશન, ૧૪૯૪ શાળા-કોલેજ અને ૧૦ તાલુકા- પાલિકા મથકે પણ ઉજવણી 

ભાવનગર: આગામી ૨૧મી જૂને સમગ્ર ગોહિલવાડ યોગમય બનશે. ૧૧મા આંતરરાષ્ટ્રી યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાભરમાંથી આશરે બે લાખ જેટલા લોકો યોગાસન કરી યોગ દિવસની ઉજવણીમાં જોડાશે. વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષે ૨૧ જૂનના રોજ આંતરારાષ્ટ્રીય યોગ દિવસની સવારે ૫ઃ૩૦થી ૭ઃ૩૦ સુધી ઉજવણી થશે. જે અંતર્ગત આગામી શનિવારે 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત'ની થીમ ઉપર ભાવનગર જિલ્લામાં પણ યોગ દિવસ ઉજવાશે.જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલેજણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લા કક્ષાએ વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે.ઉપરાંત જિલ્લાના હાથબ બંગલો, પારણા ભુવન, શેત્રુંજય તળેટી રોડ સહિતના આઈકોનિક સ્થળો તેમજ જિલ્લાના ૬૨ મુખ્ય,પેટા આરોગ્ય કેન્દ્રો (સીએચસી-પીએચસી) ખાતે પણ ઉજવણથી થશે. આ સાથે આ જ દિવસે  ભાવનગર જિલ્લા જેલ, ૨૬ પોલીસ મથકો, ૧૪૯૪ શાળા-કોલેજો, આઈટીઆઈ, ૧૦ તાલુકા,નગરપાલિકા મથક અને સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે સ્થળઓે યોગ દિવસની સામુહિક ઉજવણી થશે. જેમાં જિલ્લાના દિવ્યાંગો, ઈન્ડિયન મેડિકલ એસો.ના સભ્યો, સ્વૈચ્છિક સંસ્થાઓ, રમત-ગમત, સાંસ્કૃતિક મંડળો, યોગ સાથે સંકળાયેલા લોકો સહિત આશરે બે લાખ જેટલા વ્યક્તિઓ જોડાશે તેવો કલ્કેટરે વિગતો આપતાં દાવો કર્યો હતો. ભારતની હજારો વર્ષ પુરાણી યોગની સંસ્કૃતિ સાથે જિલ્લાવાસીઓને મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી આહવાન કરાયું છે.

બાજપાઈ હોલ ખાતે શહેર કક્ષાના યોગ દિવસની ઉજવણી  

ભાવનગર મહાપાલિકા દ્વારા આગામી તા. ર૧ જૂનને શનિવારના રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં મોતીબાગ ખાતે આવેલ અટલબિહારી બાજપાઇ ઓપન એર થિએટર ખાતે સવારે પ.૩૦ થી ૭.૩૦ કલાક દરમિયાન યોગ કરાશે. મહાપાલિકાએ પત્રકાર પરીષદમાં યોગ દિવસના કાર્યક્રમની માહિતી આપી હતી અને યોગના કાર્યક્રમમાં શહેરીજનોને જોડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.