ગોહિલવાડમાં સાર્વત્રિક બેથી સાડા 10 ઈંચ વરસાદ, ગ્રામ્ય જીવન થંભ્યું
- વર્ષાઋતુના આરંભે જ આભમાંથી આફત વરસી : સર્વત્ર જળબંબાકાર
- નદીઓ બે કાંઠે વહી, ચોમાસાના પ્રારંભે તળાવ-ચેકડેમો ઓવરફ્લો થયાનો રેકોર્ડ, સ્કૂલના બાળકો ફસાયા, રહેવાસીઓને શાળામાં આશ્રય આપવો પડયો
ભાવનગર જિલ્લાને આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઘમરોળ્યા હતા. ખાસ કરીને જેસરમાં તો જાણે આભ ફાટયું હોય તેમ સવારે ૬થી સાંજના ૬ કલાક સુધીમાં ધોધમાર સાડા દસ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. મહુવા પંથકમાં પણ મેઘરાજાએ દે દના..દન કરી ૧૨ કલાકમાં પોણા નવ ઈંચ પાણી વરસાવી દીધું હતું. પાલિતાણામાં અનરાધાર ૧૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સિહોર પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ શરૂ રહ્યો હતો. સિહોરમાં પણ ૧૨ કલાકમાં ૧૦ ઈંચ પાણી વરસ્યું હતું. ગારિયાધાર અને ઉમરાળામાં પાંચ ઈંચ, તળાજામાં સાડા ચાર ઈંચ, વલ્લભીપુરમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં બે ઈંચથી વધુ, ઘોઘામાં બે ઈંચ સાંબેલાધાર પાણી વરસ્યું હતું.
જિલ્લામાં ભારે વરસાદના પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિ તેમજ મહુવાના તલગાજરડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટી તંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે ૩૬ વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા. તળાજી નદી, બગડ નદી, ગૌતમેશ્વર તળાવ, માલણ ડેમ વગેરે બે કાંઠે-ઓવરફ્લો થતાં આસપાસના ગામો-વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. સિહોર-જેસર, મહુવા સહિતના તાલુકાઓમાં વરસાદી આફતના પગલે રસ્તોઓ બંધ કરી દેવામાં આવતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. મહુવામાં વરસાદના કારણે વીજ તંત્રના ટી.સી.માં શોર્ટ સર્કિટ થતાં વીજ પ્રવાહ બંધ થયો હતો. પાલિતાણામાં લોકોને શાળામાં આશ્રય લેવો પડે તેવી નોબત પણ આવી હતી. રાબેતા મુજબ વીજ પ્રવાહ બંધ થવાની ફરિયાદોનો વરસાદની જેમ મારો ચાલ્યો હતો. ઘણી જગ્યાએ તો શોર્ટ સર્કિટના બનાવો પણ સામે આવતા ત્યાંથી પસાર થતાં લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે ઘોઘાના કરેડા ગામે ગત રાત્રે વીજળી પડતા મહિલાને ઈજા થઈ હતી. જિલ્લામાં આજના વરસાદે દાયકાઓનો રેકોર્ડ તોડયો હોય, ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાનું આવું સ્વરૂપ ક્યારેય જોવા મળ્યું ન હોવાનો વડીલોએ મત વ્યક્ત કર્યો હતો.
સિહોર : 22 કલાકમાં સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ ખાબકી ગયો
સિહોર તાલુકા ઉપર ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા ઓળઘોળ હોય તેમ છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે રેકોર્ડબ્રેક કહીં શકાય તેટલું આજે સોમવારે સાંજના છ વાગ્યાની સ્થિતિએ સાડા ત્રણ ઈંચ પાણી વરસી ગયું છે. સિહોરમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં સરેરાશ ૬૩૯ મિ.મી. વરસાદ થતો હોવાનું સત્તાવાર રીતે નોંધાઈ છે. તેની સામે ૨૨ કલાકની અંદર જ ૩૩૨ મિ.મી. એટલે કે સિઝનનો ૫૦ ટકાથી વધુ વરસાદ ખાબકી ગયો છે. જેસર તાલુકામાં પણ સિઝનનો ૪૦ ટકાથી વધુ વરસાદ માત્ર ૧૨ કલાકમાં વરસ્યો છે.
જિલ્લામાં દર બે કલાકે નોંધાયેલો વરસાદ (મિ.મી.માં)
તાલુકો |
સવારે
૬થી૮ |
૮થી૧૦ |
૧૦થી૧૨ |
૧૨થી૨ |
૨થી ૪ |
૪થી ૬ |
કુલ |
વલ્લભીપુર |
૦૦ |
૦૮ |
૦૦ |
૦૦ |
૦૦ |
૭૦ |
૭૮ |
ઉમરાળા |
૦૧ |
૦૪ |
૦૧ |
૦૩ |
૦૦ |
૧૧૨ |
૧૨૧ |
ભાવનગર |
૦૫ |
૦૫ |
૦૨ |
૦૧ |
૩૦ |
૦૮ |
૫૧ |
ઘોઘા |
૦૯ |
૦૦ |
૦૦ |
૦૧ |
૩૭ |
૦૨ |
૪૯ |
સિહોર |
૨૦ |
૨૪ |
૦૨ |
૨૩ |
૨૫ |
૧૫૦ |
૨૪૪ |
ગારિયાધાર |
૦૦ |
૦૫ |
૨૧ |
૫૧ |
૨૫ |
૨૦ |
૧૨૨ |
પાલિતાણા |
૧૩ |
૯૫ |
૪૩ |
૩૪ |
૨૦ |
૪૨ |
૨૪૭ |
તળાજા |
૨૬ |
૧૯ |
૩૨ |
૦૭ |
૦૬ |
૨૧ |
૧૧૧ |
મહુવા |
૨૫ |
૩૦ |
૯૩ |
૨૮ |
૧૫ |
૨૬ |
૨૧૭ |
જેસર |
૦૬ |
૬૧ |
૧૧૦ |
૫૩ |
૦૪ |
૨૩ |
૨૫૭ |