ગોધરામાં મોટી બેદરકારી: વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ગોધરાના લાલબાગ વિસ્તારમાં તાજેતરમાં થયેલા વરસાદ બાદ રસ્તાના ડિવાઈડર પર રહેલા લોખંડના થાંભલા પરથી વીજ કરંટ ઉતરી આવ્યો હતો. આ કરંટની ઝપેટમાં આવી જતાં એક ગાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારી યુવકને પણ વીજ કરંટનો આંચકો લાગ્યો હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ 1962 કરુણા એમ્બ્યુલન્સની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ બાદ ગાયને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં વીજ કંપની અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં કે વરસાદ બાદ તરત જ આવી ઘટનાઓ સામે આવવી તે તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે વહીવટી પ્રશાસન તાત્કાલિક જાગે અને શહેરના તમામ વીજ થાંભલા તથા ખુલ્લા વાયરોની સખત તપાસ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ગંભીર જાનહાનિ કે મોટી દુર્ઘટના ફરી ન બને.








