ગોધરામાં મોટી દુર્ઘટના ટળી: 25 હજાર KV રેલવે વીજ કેબલ તૂટ્યો, ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેન પાયલટને કર્યા એલર્ટ

Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે એક મોટી દુર્ઘટના ટળતા હાશકારો થયો છે. ગોધરા તાલુકાના પંડિયા પુરા ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે 25 હજાર કે.વીનો હાઈ ટેન્શન રેલવે વીજ કેબલ તૂટવાની ગંભીર ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ ઉદલપુર નજીક આવેલી ભગીરથ માઇન્સમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટના કારણે પથ્થરો ઉછળીને સીધા રેલવેના હાઈ ટેન્શન કેબલ ઉપર પડ્યા હતા, જેના પરિણામે 25 હજાર કેવી જીવંત વીજ પ્રવાહવાળી લાઇનનો વાયર તૂટીને નીચે પડ્યો હતો.

આ ગંભીર પરિસ્થિતિને જોતાં સ્થાનિક ગ્રામજનોએ સર્તકર્તા અને હિંમત દાખવી હતી. જીવના જોખમે ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેનને રોકવાની કામગીરી કરી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.
આ ઘટનાને પગલે ગોધરા-આણંદ સેક્શન વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેબલ રિપેરિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને રેલવે સત્તાવાળાઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

