ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભારે પવનના લીધે મંડપ ધરાશાયી, 6 હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત
Godhra News : ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણેશ બંદોબસ્તને લઈને ઊભો કરવામાં આવેલો મંડપ શુક્રવારે સાંજે ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ફરજ પર હાજર 6 હોમગાર્ડ જવાનોને ઈજા પહોંચી હતી. મંડપ પડતાની સાથે જ પોલીસ હેડ ક્વાર્ટરમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને બંદોબસ્તની કામગીરી માટે પોલીસ હેડ ક્વાર્ટરના મેદાનમાં મંડપ ઉભો કરાયો હતો. શુક્રવારે બપોર બાદ અચાનક ભારે પવન ફૂંકાતા આ મંડપ તૂટી પડ્યો હતો. જેના કારણે ત્યાં હાજર 6 હોમગાર્ડ જવાનો દબાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ જવાનોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.