પંચમહાલ સંસદીય વિસ્તારની નગરપાલિકાઓની બેઠક, ગોધરા પાલિકા પ્રમુખ અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી
Panchmahal News : પંચમહાલ સંસદીય વિસ્તાર હેઠળ આવતી નગરપાલિકાઓના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે ગોધરાના સર્કિટ હાઉસ ખાતે રેસિડેન્ટ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી (RCM)ના વડપણ હેઠળ એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખો અને ચીફ ઑફિસરો (CO) હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન, નગરપાલિકાઓના વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નગરપાલિકાઓના મહેકમ, નવા સમાવિષ્ટ ગામો માટે વિશેષ ગ્રાન્ટ, પૂરતો સ્ટાફ અને અન્ય સુવિધાઓ અંગે રજૂઆતો થઈ હતી.
જોકે, બેઠક દરમિયાન જ એક અસામાન્ય ઘટના બની હતી. ગોધરા પશ્ચિમ વિસ્તારના કેટલાક રહીશો પોતાની સમસ્યાઓ લઈને RCMને રજૂઆત કરવા આવ્યા હતા. પરંતુ ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશ ચૌહાણ દ્વારા તેમને રોકવામાં આવતા મામલો ગરમાયો હતો.
રહીશોનો આરોપ હતો કે સ્થાનિક નગરપાલિકા તંત્ર તેમની સમસ્યાઓ સાંભળતું નથી, જેના કારણે તેઓ સીધા RCM પાસે રજૂઆત કરવા આવ્યા હતા. પ્રમુખ દ્વારા તેમને રોકવામાં આવતા રહીશો ઉશ્કેરાયા હતા અને ત્યાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાને કારણે બેઠકનું વાતાવરણ તંગ બન્યું હતું. આ મામલે ગોધરા નગરપાલિકાના પ્રમુખ સામે પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકો અને નગરપાલિકાના વહીવટ વચ્ચે સંકલનનો અભાવ છે, જેના કારણે પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.