Gujarat

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે

By GS TEAM
5 Apr 20262 mins read
TukuTouch Logo
ગોધરા નગરપાલિકા ચૂંટણી 2026 માટે નવું સીમાંકન જાહેર. 27% OBC અનામત અને 6 ગ્રામ પંચાયતોના સમાવેશથી બદલાયા સમીકરણો. જાણો કયો વોર્ડ સૌથી મોટો છે અને કયા નેતાઓની બેઠકો જોખમમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે

મધ્ય ગુજરાતના રાજકારણનું કેન્દ્ર ગણાતી ગોધરા નગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી આ વખતે ભારે રસાકસીભરી બની રહેશે. પાલિકામાં 6 ગ્રામ પંચાયતોના સમાવેશ અને નવા સીમાંકનને કારણે વર્ષોથી સત્તા જમાવીને બેઠેલા અનેક 'રાજકીય પંડિતો' માટે આ વખતે ઘરભેગા થવાનો વારો આવે તેવા સમીકરણો સર્જાયા છે.

6 ગ્રામ પંચાયતોનો સમાવેશ: ગણિત ઊંધું પડ્યું

શહેરની સરહદમાં ભળેલ 6 ગ્રામ પંચાયતોને કારણે પાલિકાના વોર્ડ માળખામાં ધરખમ ફેરફાર થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર ૧, ૩, ૪, ૯ અને ૧૧ માં ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થતા નવા ૯,૦૫૬ મતદારો ઉમેરાયા છે. હવે કુલ મતદારોનો આંકડો ૧,૨૧,૯૫૪ પર પહોંચ્યો છે, જે ઉમેદવારોની હાર-જીત નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

વોર્ડ નં. ૭ સૌથી મોટો, વોર્ડ નં. ૫ સૌથી નાનો

નવા સીમાંકન બાદ વોર્ડ નંબર ૭ સૌથી વધુ ૧૩,૯૭૮ મતદારો સાથે કદમાં સૌથી મોટો બન્યો છે. જ્યારે વોર્ડ નંબર ૫ માં સૌથી ઓછા ૭,૮૩૮ મતદારો નોંધાયા છે. સરેરાશ રીતે જોઈએ તો ૨૦૨૧માં દરેક વોર્ડમાં આશરે ૧૦,૨૬૩ મતદારો હતા, જે ૨૦૨૬માં વધીને ૧૧,૦૮૬ થયા છે.

કેમ 'જૂના જોગીઓ'ની ઉંઘ હરામ થઈ?

૧. ૨૭% OBC અનામત: બેઠકોના પ્રકારો વસ્તી મુજબ બદલાતા વર્ષોથી એક જ વોર્ડમાંથી જીતતા નેતાઓ માટે અનામત બેઠક અડચણરૂપ બની શકે છે.

૨. વિસ્તારમાં ફેરફાર: સીમાંકન બદલાતા જે વિસ્તારો પર નેતાઓની પકડ હતી, તે હવે બીજા વોર્ડમાં ભળી ગયા છે.

૩. નવા મતદારો: નવા ઉમેરાયેલા ૯૦૦૦થી વધુ મતદારોનો મિજાજ સમજવો જૂના નેતાઓ માટે જટિલ પડકાર છે.

વોર્ડ વાઈઝ મહત્વના આંકડા (૨૦૨૧ vs ૨૦૨૬)

વોર્ડ ૪: સૌથી વધુ ૪,૪૭૭ મતદારોનો ઉછાળો.

વોર્ડ ૭: રેકોર્ડબ્રેક ૬,૦૪૭ નવા મતદારો ઉમેરાયા.

વોર્ડ ૨: ૩,૦૧૨ મતદારો ઘટ્યા, જે રાજકીય રીતે મોટો ફેરફાર છે.

પ્રચાર માટેનો સમય ઓછો હોવાથી ઉમેદવારો માટે દરેક મતદાર સુધી પહોંચવું કપરા ચઢાણ સમાન છે. ૨૬ એપ્રિલે થનાર મતદાનમાં ગોધરાની જનતા પરિવર્તન લાવશે કે જૂના જોગીઓ પર ભરોસો ટકાવી રાખશે તે જોવું રસપ્રદ રહેશે.