ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો 'કડક' મિજાજ: 'સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra MLA News: ગોધરા નગરપાલિકા હસ્તકના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે પાલિકા સભ્યો અને અધિકારીઓ માટે 'શિખામણ સત્ર' બની ગયો હતો. ગોધરાના પીઢ ધારાસભ્ય સી.કે. રાઉલજીએ જાહેર કાર્યક્રમમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓના રીતસરના 'ક્લાસ' લીધા હતા અને પ્રજાને કેન્દ્રમાં રાખીને કામ કરવાની ટકોર કરી હતી.
ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સભ્યોએ સ્વાર્થ છોડીને માત્ર કર્મ અને પ્રજાહિત પર ધ્યાન આપવું જોઈએ. 'તમારી સમય મર્યાદા 5 વર્ષની છે, અધિકારીઓની નોકરી 58 વર્ષ સુધીની છે, પરંતુ મતદારોની અવધિ 'આજીવન' છે, તેથી પ્રજા જ સર્વોપરી છે.'
ચૂંટણી ટાણે 'લાગવગ' નહીં ચાલે
આગામી પાલિકાની ચૂંટણીઓને અનુલક્ષીને પણ ધારાસભ્ય સી.કે. રાઉલજીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો વિવિધ મહોલ્લામાં જઈને સેન્સ લેશે. આ પ્રક્રિયામાં કોઈની પણ લાગવગ કે ભલામણ ચાલશે નહીં. જે જમીની સ્તરે કામ કરશે અને લોકોની પસંદ હશે, તેમને જ ટિકિટ આપવામાં આવશે.
પાલિકામાં આંતરિક ડખો: અધિકારીઓ સભ્યોનું સાંભળતા નથી?
એક તરફ ધારાસભ્યએ સભ્યોને શીખામણ આપી હતી, તો બીજી તરફ પાલિકાના ભાજપના જ સભ્યો અને શહેર મહામંત્રીએ પાલિકાની વહીવટી કામગીરી સામે બળાપો કાઢ્યો હતો. તેઓએ પાલિકા પ્રમુખ અને ધારાસભ્યને રૂબરૂ રજૂઆત કરતા જણાવ્યું હતું કે શહેરમાં નવા બનાવેલા રોડ ગણતરીના સમયમાં જ ખખડી જાય છે.
રસ્તાના સમારકામ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય છે. પાલિકાના જવાબદાર અધિકારીઓ ચૂંટાયેલા સભ્યો કે પદાધિકારીઓનું સાંભળતા નથી અને મનમાની ચલાવે છે. આમ, આજનો કાર્યક્રમ વિકાસ કામોના ખાતમુહૂર્તની સાથે સાથે પાલિકાના વહીવટી તંત્રની પોલ ખોલનારો અને ધારાસભ્યના લાલ આંખ કરવાનો સાક્ષી બન્યો હતો.









