Godhra News: માણસને જીવતે જીવ શાંતિ નથી મળી રહી, પરંતુ મર્યા પછી પણ શાંતિ નથી મળી રહી એવી જ સ્થિતિ ગોધરા શહેરમાં જોવા મળી છે. શહેરના દાહોદ હાઇવે રોડ પર આવેલી ગુરુકૃપા અને શક્તિ નગર સોસાયટીના સ્થાનિકોની હાલત ગંદકી અને કાદવના કારણે દયનીય બની ગઈ છે. સૌથી મોટી મુશ્કેલી તો ત્યારે સર્જાય છે જ્યારે લોકોએ તેમના સ્વજનની સ્મશાન યાત્રા કાઢવી પડે છે, કારણ કે આ પવિત્ર યાત્રા દરમ્યાન પણ તેમણે આ ગંદકી અને કાદવ વચ્ચેથી પસાર થવું પડે છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં કાયમી ધોરણે ગંદકીના થર જામી રહ્યા છે અને વરસાદના કારણે ફેલાયેલું કાદવનું સામ્રાજ્ય હજુ પણ યથાવત છે. લોકોનું કહેવું છે કે જ્યાં જીવનના અંતિમ સંસ્કાર માટે જવાનું હોય એ માર્ગ પણ જો આટલો દયનીય હોય તો તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થાય છે.
સ્મશાન યાત્રામાં કાદવ અને ગંદકીનો સામનો
સોસાયટીના રહેવાસીઓ તંત્રની ઘોર બેદરકારીથી ત્રાસી ગયા છે. એક તરફ તંત્ર "સ્વચ્છ ગોધરા, સુંદર ગોધરા" જેવી વાતો કરે છે, પણ જમીની હકીકત તેનાથી તદ્દન વિપરીત છે. ગંદકીના કારણે આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિકોએ અવારનવાર જવાબદાર તંત્રને આ બાબતે રજૂઆતો કરી હોવા છતાં, આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે વહીવટી તંત્રની આંખો ક્યારે ખુલશે અને લોકોને ગંદકીના આ નરકાગારમાંથી મુક્તિ ક્યારે મળશે?
તંત્ર સામે સવાલો
ગુરુકૃપા અને શક્તિ નગર સોસાયટીના રહીશોએ તાત્કાલિક ધોરણે આ માર્ગની સફાઈ અને સમારકામ થાય તેવી માંગણી કરી છે, જેથી ઓછામાં ઓછું મૃતકને શાંતિપૂર્ણ વિદાય આપી શકાય.


