Get The App

ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ગોધરાની કોલેજમાં પ્રાથમિક સુવિધાઓને અભાવે વિદ્યાર્થીઓ પરેશાન, એબીવીપી દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ 1 - image


Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં 66 વર્ષથી કાર્યરત શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ કોલેજમાં 1200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવા છતાં પીવાના પાણી, શૌચાલય, અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજ સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે. ABVPએ જણાવ્યું છે કે પીવાના પાણીની યોગ્ય સુવિધા નથી અને કોલેજ પરિસરમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ટ્રસ્ટ્રીઓ સાથે વાત કરી હતી પરંતુ હજુ સુધી નિકાલ આવ્યો નથી. વારંવાર આવેદનપત્ર આપવા છતાં કોઇ નિકાલ આવ્યો નથી. 

ABVPએ આ મામલે કોલેજ સત્તાધીશોને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને ABVPની માગ છે કે કોલેજ સત્તાધીશો તાત્કાલિક આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈ, વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાઓ પૂરી પાડે જેથી તેમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે. કોલેજના પ્રશાસન દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, વિદ્યાર્થીઓમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :