Get The App

પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત 1 - image

Panchmahal Accident: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં શુક્રવાર (પહેલી જાન્યુઆરી) વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ગોધરાના ડોક્ટરના મુવાડા ગામ નજીક બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.

પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત 2 - image

રોંગ સાઈડમાં આવતી કાળમુખી ટ્રક

મળતી માહિતી મુજબ, અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જ્યારે એક ટ્રક રોંગ સાઈડથી પૂરઝડપે આવી રહી હતી. રોંગ સાઈડથી આવતી ટ્રકે સામેથી આવતી બીજી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ટ્રકની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ એક ટ્રકમાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.


અકસ્માતને કારણે કેબિનમાં ફસાયેલો એક વ્યક્તિ બહાર નીકળી શક્યો નહીં. આગની લપેટમાં આવતા તે વ્યક્તિ કેબિનમાં જ જીવતો ભુંજાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ

રેસ્ક્યૂ અને પોલીસ કાર્યવાહી

ધડાકાભેર અકસ્માત અને આગના દ્રશ્યો જોઈ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંચમહાલ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.