ધુળેટીના દિવસે ગોધરામાં ગુંડારાજ! સોસાયટીને બાનમાં લઈ મકાન-બાઈકમાં તોડફોડ, પરિવાર પર જીવલેણ હુમલો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Biker Gang Attack Godhara: ગોધરા શહેરમાં ધોળા દિવસે અસામાજિક તત્વોએ માજા મૂકી છે. શહેરની શાંત ગણાતી સહજાનંદ સોસાયટીમાં આજે બુધવારે બપોરના સુમારે બાઈક પર સવાર થઈને આવેલા 10થી વધુ અજાણ્યા શખસોએ આતંક મચાવ્યો હતો. આ લુખ્ખા તત્વોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી પરિવારના સભ્યો પર હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સોસાયટીને બાનમાં લીધી, ઘરમાં ઘૂસી કરી તોડફોડ
પ્રાપ્ત વિગતો અનુસાર, બાઈક પર આવેલા હુમલાખોરોએ સહજાનંદ સોસાયટીમાં ધસી આવી આખી સોસાયટીને બાનમાં લીધી હતી. આ શખ્સોએ સોસાયટીમાં રહેતા કાછિયા પટેલ પરિવારના મકાનમાં ઘૂસીને ઘરના તમામ ઘરવખરી અને સરસામાનની તોડફોડ કરી હતી. એટલું જ નહીં, ઘરની બહાર પાર્ક કરેલી 2 બાઈકને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
મહિલાઓ સહિત 4 લોકો લોહીલુહાણ
આ હુમલાખોરોએ ઘરમાં હાજર પરિવારજનો પર લાકડીઓ અને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં 3 મહિલાઓ અને 1 યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. હુમલા બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર કાછિયા પટેલ પરિવાર હાલ આઘાતમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે.
આ પણ વાંચો: ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત
પોલીસની કામગીરી સામે સવાલ?
ગોધરા જેવા મોટા શહેરમાં ધોળા દિવસે 10થી વધુ લોકો બાઈક પર સવાર થઈને આતંક મચાવે, ત્યારે પોલીસની પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, 'અચાનક 10-12 છોકરાઓ બાઈક પર આવ્યા અને બૂમાબૂમ કરીને તોડફોડ શરૂ કરી દીધી, અમને કંઈ સમજાય એ પહેલા તો તેમણે ઘરના લોકોને માર મારવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ હાલમાં આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે અજાણ્યા હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.








