- ધ્રાંગધ્રામાં મહાલક્ષ્મી મંદિરમાં
- નવરાત્રી પૂર્ણ થતા જ ચલણી નોટના શણગારની તૈયારીઓ શરૂ થાય છે : ધનતેરસે સવારે મહાઆરતીમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા ખાતે આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે છેલ્લા ૨૫ વર્ષથી ધનતેરસને દિવસે ચલણી નોટો તેમજ સોનાના આભૂષણો દ્વારા માતાજીના શણગાર કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ધનતેરસને દિવસે મહાલક્ષ્મી મંદિરમાં બે લાખથી વધુ ચલણી નોટોનો તેમજ આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો.
જેમાં ચલણી નોટ જેવી કે બે, પાંચ, દસ, વીસ, પચાસ, સો, બસો, પાંચસો જેવી ચલણી નોટનો ઉપયોગ કરીને શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો અમદાવાદ, રાજકોટ, મુંબઈ, સુરત, વડોદરા સહિતના શહેરો અને બહારના જીલ્લામાંથી ઉમટી પડયા હતા. આ દિવસે લોકો ઉપર માં લક્ષ્મીજીની કૃપા વરસતી રહે તે માટે પ્રાર્થના પણ કરી હતી. દર્શનાથી પણ આ શણગારના દર્શન કરી ને આનંદીત થયા હતા. માતાજીના આ શણગાર માટેની તૈયારીઓ નવરાત્રી પૂર્ણ થાય પછી તરત માઈભક્તો કરતા હોય છે અને શણગાર કરતા ૧૨ કલાક જેટલો સમય થાય છે. મંદિરમાં મોડી રાત સુધી વિવિધ પ્રકારની પૂજા પણ કરવામાં આવે છે. જ્યારે મંદિરમાં સવારે મહાઆરતી પણ કરવામાં આવી હતી જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.


