જીએમડીસીના ૫૦૦ કર્મચારીઓને કોર્ટના આદેશ મુજબ પેન્શન મળતું નથી
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની બેદરકારીનું પરિણામઃ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ પણ બે બે વાર પત્ર લખ્યા છતાં જીએમડીસી રેકોર્ડ આપવા તૈયાર નથી
માસિક રૃા. ૧૦૦૦થી રૃા. ૪૦૦૦ના જ પેન્શન મળતાં હોવાથી કફોડી સ્થિતિમાં જીવન વીતાવી રહેલા કર્મચારીઓ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, બુધવાર
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગના અધિકારીઓએ નિવૃત્ત કર્મચારીઓના પગાર અંગેની માહિતી આપવામાં ગલ્લાંતલ્લાં કરી રહ્યું હોવાથી ૫૦૦થી વધુ નિવૃત્ત કર્મચારીઓને કોર્ટના આદેશ પ્રમાણે નવું પેન્શન મળી ન શકતું હોવાની બૂમ ઊઠી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૨૨માં કર્મચારીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો તે પછી જીએમડીસી પેન્શનર્સ એસોસિયેશને ગુજરાત ખનીજ વિકાસ નિગમના કર્મચારીઓએ હાયર પેન્શન આપવા માટે પેન્શન કચેરીમાં અરજી કરી હતી.
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના કર્મચારીઓની રજૂઆત મળ્યા પછી અમદાવાદની એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ પણ બે વાર પત્ર લખીને જીએમડીસીમાંથી નિવૃત્ત થઈ ગયેલા ૫૧૬ કર્મચારીઓના નોકરીઓના વર્ષ દરમિયાનના પ્રોવિડન્ટ ફંડની કપાત, કંપનીએ તેમાં ઉમેરેલો હિસ્સો અને તેને લગતી ઇતર માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. પરંતુ જીએમડીસીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પાસે આ માહિતી જ ન હોય કે અન્ય કોઈ કારણોસર નિવૃત્ત કર્મચારીાઓને લગતી માહિતી પૂરી પાડવામાં જ આવતી નથી. પરિણામે તેમના પગારમાં વધારો થતો જ નથી. અત્યારે આ કર્મચારીઓને મહિને અંદાજે રૃા. ૧૦૦૦થી માંડીને રૃા. ૪૦૦૦ની આસપાસનું જ પેન્શન મળતું હોવાથી તેમની કઠણાઈ વધી ગઈ છે.
તેથી તેમણે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીને પણ સુપ્રીમ કોર્ટના ચૂકાદાના સંદર્ભમાં પેન્શન વધારવાની માગણી કરતી અરજી આપી હતી. આ રજૂઆત મળ્યા બાદ પેન્શન કચેરીએ ગુજરાત ખનિજ વિકાસ નિગમ પાસેથી સમયે સમયે નિવૃત્ત થયેલા કર્મચારીઓના કુલ પગાર અંગેની માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખનિજ નિગમના એકાઉન્ટ વિભાગના અધિકારીઓ નિવૃત્ત કર્મચારી અંગેની માહિતી જ પૂરી પાડતા નથી. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વર્તમાન અધિકારીઓની સુસ્તીને પરિણામે તેમને વધારે પેન્શન મળી શકતું નથી. જીએમડીસીના અધિકારીની આ સુસ્તી બદલ નિવૃત્ત કર્મચારીઓની પેન્શન વધારાની અરજી પણ ઈપીએફઓએ નકારી કાઢી છે.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના નિવૃત્ત કર્મચારીઓ પણ આ જ હાલાકીને સામનો કરી રહ્યા છે. તેમને પણ વધારાના પેન્શનના લાભ મળતા ન હોવાની ફરિયાદ છે.
