For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં શ્રેષ્ઠ-ફ્રી શિક્ષણ, વીજળી, સારવાર, રોજગારી માટે અમને તક આપો- કેજરીવાલ

Updated: May 11th, 2022

Article Content Image

સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢ રાજકોટમાં 'આપ'નું શક્તિ પ્રદર્શન  : મને રાજનીતિ કરતા નહીં,કામ કરતા આવડે છે, દિલ્હીમાં પાંચ  વર્ષમાં  લોકોના કામ કરી બતાવ્યા, 50,00 વૃધ્ધોને ફ્રીમાં રામજન્મભુમિ સહિતની યાત્રા કરાવી

રાજકોટ, : ગુજરાતમાં ભાજપનો દાયકાઓથી ગઢ  ગણાતા સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટના ઐતહાસિક લાલબહાદુર શાસ્ત્રીમેદાનમાં જંગી મેદની સાથે આજે આમ આદમી પાર્ટીએ  સૌરાષ્ટ્રમાં પ્રચારનો આરંભ કર્યો હતો. આમ આદમી પાર્ટીના સુપ્રીમો, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  કહ્યું ગુજરાતમાં ખાનગીને ટક્કર મારે તેવા શ્રેષ્ઠ અને નિઃશૂલ્ક સરકારી શિક્ષણ અને સારવાર, ફ્રી વિજળી,  અને યુવાનોને રોજીરોટી માટે એક વાર અમને તક આપો.  

પ્રવચનનો આરંભ ઉપસ્થિતોને સંબોધનને બદલે ભારત માતા કી જય, ઈન્ક્લાબ જીંદાબાદ, વંદે માતરમ્ના નારાથી કરીને  તેમણે કહ્યું દિલ્હીની સરકારી સ્કૂલોનું શિક્ષણ અગાઉ કથળેલું હતું પરંતુ, પાંચ વર્ષમાં અમે તેને શાનદાર કર્યું છે. 7 વર્ષથી એક પણ ખાનગી સ્કૂલોને ફી વધારવા દીધી નથી, 4 લાખ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને સરકારીમાં દાખલ થયા છે, માત્ર ફ્રી શિક્ષણ નહીં પણ આમ નાગરિકના બાળકો આઈ.આઈ.ટી.માં પ્રવેશ મેળવે છે અને સરકારી સ્કૂલોનું 99.7 ટકા  ટકા  રિઝલ્ટ આવે છે. આવું ગુજરાતમાં 27  વર્ષમાં થયું નથી, ઉલ્ટુ 6,000 સ્કૂલો બંધ થઈ છે, કારણ કે શાસકોની શિક્ષણ સુધારવામાં રસ નથી, એમને લોકોના નાણાં લૂંટવામાં રસ છે. તેથી અહીં સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે. 

ગુજરાતમાં સારવાર મોંઘી છે અને બિમાર માણસનો પરિવાર આર્થિક રીતે ભાંગી જાય છે, અમે પ્રાઈવેટ હોસ્પિટલો કરતા સરકારી હોસ્પિટલમાં વધુ સારી સારવાર 2 કરોડ નાગરિકોને ફ્રીમાં આપીએ છીએ.  દિલ્હીમાં અમે 12 લાખ યુવાનોને રોજગાર આપ્યો છે ,વિજળી ફ્રી કરી છે. ગુજરાતમાં લોકોને શિક્ષણ,સ્વાસ્થ્ય ,રોજગારી મળે તે માટે મત માંગીએ છીએ, દિલ્હીમાં જે કરી શક્યા તે દેશમાં કરી શકીશું તેમ લાગે છે. લોકો એક મોકો આપશે તો શ્રેષ્ઠ અને ફ્રી શિક્ષણ, ફ્રી વિજળી, યુવાનોને રોજગારીની જવાબદારી અમારી એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં સરકારની યોજના હેઠળ ૩ વર્ષમાં ૫૦ હજાર વૃધ્ધોને રામજન્મભુમિ અયોધ્યા સહિત તિર્થક્ષેત્રોના સરકારના ખર્ચે વિનામૂલ્યે યાત્રા કરાવી છે. 

અરવિંદ કેજરીવાલે  પુનરોચ્ચાર કરીને કહ્યું'મને રાજનીતિ કરતા નથી આવડતી પણ કામ કરતા આવડે છે,અને અમે દિલ્હીમા શિક્ષણ,સ્વાસ્થ્ય,રોજગારી,સુરક્ષા માટે કામ કરી બતાવ્યું છે.  ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન પણ આવા કામ થયા નથી.  તેથી ડરાવીને ચૂંટણી જીતવા માંગે છે. 

ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટના પર કટાક્ષો કરતા કેજરીવાલે કહ્યું  જે યોગ્ય રીતે પરીક્ષા નથી યોજી શકતા તે સરકાર સારી રીતે ક્યાંથી ચલાવે? અહીં વારંવાર પેપર ફૂટવા છતાં કોઈ જેલમાં જતું નથી. ગુજરાતમાં મુખ્યમંત્રી કોઈ પણ હોય પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શાસન ચલાવે છે તેમ કહીને તેમણે પ્રહારો કર્યા હતા. 

દિલ્હીમાં, પછી પંજાબમાં અને હવે ગુજરાતમાં ઘરે ઘરે આમ આદમીની ચર્ચા છે, અહીં લોકોનો પ્રેમ મળી રહ્યો છે કહીને કેજરીવાલે કોંગ્રેસના ભાજપની નાની બહેન ગણાવી  આપને એક તક આપવાનું કહીને સૌરાષ્ટ્રમાં ભાજપના ગઢમાં ભાજપ સામે ચૂંટણી જંગનું  એલાન કર્યું હતું. 

Gujarat