સમિતિના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે રીચાર્જના પૈસા આપો
વિદ્યાર્થીઓને નોટબુક પણ આપોઃ બુટ-મોજાના ટેન્ડરમાં સ્પર્ધા વધારવા શરતોમાં ફેરફાર કરો
તમામ સાત માધ્યમની ભાષામાં ઓન લાઈન શિક્ષણ આપો
સુરત,
તા. 27 જુલાઈ, 2020, સોમવાર
લોક ડાઉનમાં લોકોના ધંધા રોજગાર ભાંગી ગયાં હોવાથી વિદ્યાર્થીઓને મોબાઈલ રિચાર્જ માટે પૈસા આપવાની માગણી આજની શિક્ષણ સમિતિની બેઠકમાં થઇ હતી.
કોરોનાની મહામારીના કારણે આજે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા ઓન લાઈન મળી હતી. જેમાં શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ માટે નોટબુક અને રીચાર્જ માટે પૈસાની માંગ કરતા વિપક્ષી સભ્યોએ કહ્યુ ંહતુ ંકે, હાલ શિક્ષણ સમિતિ દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાય છે સારી વાત છે વિદ્યાર્થીઓના વાલીઓની આર્થિક હાલ સારી ન હોવાથી મોબાઈલ રીચાર્જ માટેના પૈસાની ચુકવણી કરવી જોઇએ. ઉપરાંત હાલના માહોલમાં વિદ્યાર્થીઓને નોટબુક પણ આપવી જરુરી છે.
શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીને બુટ મોજા આપવા માટેના ટેન્ડર આપવામાં આવે છે તેમાં ઈજારદારને ત્રણ વર્ષના અનુભવની શરત છે તેમાં એક જ ઈજારદાર ક્રાઈટેરીયામાં આવે છે. સ્પર્ધા થતી ન હોવાથી શરતોમાં ફેરફાર કરીને સ્પર્ધા થાય તે રીતે ટેન્ડરની શરતો રાખવી જોઇએ. ઉપશાસનાધિકારીની નિમણુંક માટે કમિશ્નર દ્વારા તાકીદ હોવાથી તે માટે પ્રક્રિયા તાત્કાલિક પુર્ણ કરો. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે અનાજ વિતરણ માટેની કામગીરીમાં કેટલીક ચુક થઈ છે તો નેશનલ ફુડ સિક્યુરીટી હેઠળ વિદ્યાર્થીઓના વાલીઓને અનાજ આપવા પણ માંગણી થઇ હતી.