Get The App

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ 1 - image

Girnar Lili Parikrama 2025: ગિરનારની પંચકોશી લીલી પરિક્રમા પર આ વર્ષે કમોસમી વરસાદે વિઘ્ન ઊભું કર્યું છે. પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર ભારે કાદવ-કીચડ અને પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ભાવિકો માટે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા અકબંધ રહે તે માટે કારતક સુદ અગિયારસના શુભ મુહૂર્તે મધ્યરાત્રિએ 12 વાગ્યે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તંત્રના નિર્ણય છતાં આસ્થાનું ઘોડાપૂર 'જય ગિરનારી'ના નાદ સાથે ગિરનાર તળેટીએ ઉમટ્યું હતું.

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ 2 - image

પરંપરા મુજબ, ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વાર ખાતેથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર રાણાવસિયાએ સૌપ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરી, દીપ પ્રાગટ્ય કર્યું અને શ્રીફળ વધેરીને પરંપરા જાળવી હતી. આ સમગ્ર વિધિ દરમિયાન 'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, કિન્નર અખાડાના સંતો તેમજ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ 3 - image

આ પણ વાંચો: પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો

જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવિકોની સુરક્ષા સર્વોપરી છે. કમોસમી વરસાદને કારણે પરિક્રમાનો રૂટ અત્યંત ખરાબ અને કાદવવાળો થઈ ગયો છે. આથી, ભાવિકો માટે આ વર્ષે પરિક્રમા મોકૂફ રખાઈ છે. તેમણે ઉમેર્યું કે, ધાર્મિક મહત્ત્વ અને મુહૂર્ત જાળવવા માટે, મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે એક પ્રતિકાત્મક યાત્રા યોજવામાં આવી છે, જે વહેલી સવારે શરૂ થઈ મોડી સાંજ સુધીમાં પૂર્ણ થશે.

પરિક્રમા સત્તાવાર રીતે બંધ હોવાની જાહેરાત છતાં લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા શરૂ થવાની આશાએ ભવનાથ તળેટીએ પહોંચી ગયા હતા. પરિક્રમાનો મુખ્ય માર્ગ બંધ હોવાથી, ભાવિકોનું ઘોડાપૂર ગિરનાર પર્વત પર દર્શન માટે ઉમટી પડ્યું હતું.