ગિરનાર પર્વત પર ગોરખનાથજીની નવી પ્રતિમાનું સ્થાપન, આરોપીઓને પકડવાની અધિકારીઓની ખાતરી

Gorakhnath New Idol : જુનાગઢ સ્થિત પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથજીના શિખર ખાતે રવિવારે (5 ઓક્ટોબર) રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથજીની પ્રતિમાની તોડફોડ કરી તેને મંદિરની બહાર જંગલ વિસ્તારમાં ફેંકી દેવાની જઘન્ય ઘટના સામે આવી હતી. આ ઘટનાના વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે આજે (6 ઓક્ટોબર) ગિરનાર પર્વત પર જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગોરખનાથજીની નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું, જેથી મંદિર મૂર્તિ વગરનું ન રહે.
સરકારની દરમિયાનગીરી બાદ નવી પ્રતિમાનું સ્થાપન
ગોરખનાથજીની પ્રતિમાની તોડફોના કારણે સંતો-મહંતો અને ભાવિક ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિવિધ નાથ સંપ્રદાયના સંતો, જેમાં મહંત સોમનાથ બાપુ અને પૂજ્ય શેરનાથ બાપુ સહિતના ધર્મપ્રેમીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને અપરાધીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની તંત્ર સમક્ષ માંગણી કરી હતી. પોલીસ ફરિયાદ નોંધાવવાની ગતિવિધિ પણ હાથ ધરવામાં આવી હતી. સંતોના રોષ અને ભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવી હતી.
નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન
ત્યારે આજે (6 ઓક્ટોબર) ગિરનાર પર્વત પર જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ગોરખનાથજીની નવી પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું, જેથી મંદિર મૂર્તિ વગરનું ન રહે.
આ પ્રસંગે અધિકારીઓ તેમજ મહંત સોમનાથ બાપુની હાજરીમાં કૌશિકભાઈ દ્વારા પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા, ડોળી મંડળના પ્રમુખ દાસાભાઈ અને રમેશભાઈ બાવળીયા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓએ આપી ખાતરી
આ પ્રસંગે હાજર રહેલા અધિકારીઓએ સંતો અને ભાવિકોને ખાતરી આપી હતી કે જે કોઈએ આ જઘન્ય કૃત્ય કર્યું છે, તેમને પકડી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં. તંત્ર દ્વારા અપરાધીઓ સામે સખત કાર્યવાહી કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી.


