Gujarat

ગર્લ્સ હોસ્ટેલમાં નવો કોન્ટ્રાક્ટ અપાય ત્યાં સુધી વિદ્યાર્થિનીઓએ જમવાની વ્યવસ્થા જાતે કરવી પડશે

By GS TEAM
10 Jul 20252 mins read
ગર્લ્સ હોસ્ટેલમાં નવો  કોન્ટ્રાક્ટ અપાય ત્યાં સુધી વિદ્યાર્થિનીઓએ જમવાની વ્યવસ્થા જાતે કરવી પડશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થવાના કારણે ૧૩૫ વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આ ઘટના બાદ મેસ ચલાવનાર શિલ્પા હોસ્પિટાલિટી કમ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રાતોરાત રદ કરી દેવામાં આવ્યો છે.

જોકે તેની સામે સત્તાધીશોએ હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નહીં હોવાથી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓની મુશ્કેલી વધી છે.ચીફ વોર્ડન ડો.વિજય પરમારે કહ્યું હતું કે, નવો કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવશે.આ મહિનાના અંત સુધીમાં નવો કોન્ટ્રાક્ટ આપીને મેસ ફરી શરુ  કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે.ત્યાં સુધી વિદ્યાર્થિનીઓએ પોતાની જમવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે.

જોકે ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓ માટે હોસ્ટેલ સત્તાધીશોએ આજે ભોજનની વ્યવસ્થા કરી હતી.આ વિદ્યાર્થિનીઓને હેલ્થ સેન્ટર તેમજ ગર્લ્સ હોસ્ટેલની લાઈબ્રેરીમાં રાખવામાં આવી છે.

ગર્લ્સ હોસ્ટેલમાં ચાલતી એક માત્ર મેસ પણ બંધ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થિનીઓને બહાર જમવાની કે હોસ્ટેલમાં ટિફિન મંગાવવાની કે ફૂડ ડિલિવરી થકી ભોજન મંગાવવાની વ્યવસ્થા કરવી પડી હતી. વિદ્યાર્થિનીઓએ માગ કરી હતી કે, બોયઝ હોસ્ટેલમાં ચાલતી અન્ય મેસના કોન્ટ્રાક્ટરને કહીને કે અન્ય કોઈ વ્યવસ્થા કરીને કામચલાઉ ધોરણે ગર્લ્સ હોસ્ટેલમાં મેસ શરુ કરવામાં આવે.જેથી  અમારે  બહાર ના જવું પડે તેમજ બહારથી ખાવાનું મંગાવવું ના પડે.

ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ સત્તાધીશોએ રાતોરાત કમિટી બનાવી

ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા નહીં જળવાય તો કોન્ટ્રાક્ટ રદ કરવાની ચીમકી

કમિટીના સભ્યોએ પોલીટેકનિકની મેસમાં ચેકિંગ કર્યું, દર સપ્તાહે કોઈને કોઈ મેસની સભ્યો સરપ્રાઈઝ વિઝિટ કરશે 

વડોદરા,ગુરુવાર

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં જમનાર વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયા બાદ સત્તાધીશો ઉંઘમાંથી સફાળા જાગી ગયા છે.સત્તાધીશોએ તમામ મેસમાં ચેકિંગ માટે અધ્યાપકોની એક કમિટી બનાવી છે.

આ કમિટી  દ્વારા આજે પોલીટેકનિકના હોસ્ટેલ કેમ્પસમાં આવેલી આરટી હોલ પાસેની મેસમાં ચેકિંગ કર્યું હતું.કમિટી ના સભ્યોએ મેસ ચલાવનારાને ચેતવણી આપી હતી કે, ભોજનની ગુણવત્તા ખરાબ હશે કે પછી સ્વચ્છતાનો અભાવ હશે તો કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.સાથે સાથે કમિટીએ  મેસમાં સ્વચ્છતા રાખવા માટેના સૂચનો પણ કર્યા હતા.કમિટીના સભ્યોએ વિદ્યાર્થીઓને પણ ભોજનની ગુણવત્તા અંગે ત્યાં જમતા વિદ્યાર્થીઓના પણ અભિપ્રાય લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, સત્તાધીશોએ બનાવેલી કમિટીમાં કન્વીનર તરીકે એન્વાર્યમેન્ટ સાયન્સના હેડ પ્રો.પદમજા સુધાકરની નિમણૂક કરવામાં આવી છે.સભ્યો તરીકે હોમસાયન્સના ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના બે અધ્યાપકો વનિશા નામ્બિયાર તેમજ સ્વાતિ ધુ્રવ, ઝૂલોજી વિભાગના અધ્યાપક ડો.રણજિતસિંહ દેવકર અને પોલીટેકનિકના મિકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપક સંદીપ ગોખલેનો સમાવેશ થાય છે.આ કમિટી દ્વારા હોસ્ટેલમાં દર સપ્તાહે એક વખત મેસમાં ચેકિંગ કરવામાં આવશે અને તેની સાથે સાથે કમિટિ મેસમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરશે.