For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોફી શોપમાં કોલેજીયન યુવતીના ભેદી મોતનું પ્રકરણ: પ્રિ-પ્લાન મર્ડર અને લવ જેહાદનો ભોગ બન્યાનો યુવતીના પિતાનો આક્ષેપ

Updated: Nov 24th, 2021


કોફી શોપમાં કોલેજીયન યુવતીના ભેદી મોતનું પ્રકરણ: પ્રિ-પ્લાન મર્ડર અને લવ જેહાદનો ભોગ બન્યાનો યુવતીના પિતાનો આક્ષેપ

- તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાય, વિધર્મી યુવાને મહેશ નામ ધારણ કર્યુ હતું અને ત્રણ વર્ષ અગાઉ પુત્રીએ જાણ કરતા યુવાનને ધમકાવ્યો પણ હતો

સુરત
વેસુના કોફી કેસ્ટલ કાફેમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલી બી.એડની વિદ્યાર્થીનીના ભેદી મોત પ્રકરણમાં મૃતકના પિતાએ પુત્રી લવ-જેહાદનો ભોગ બની હોવાનું તથા પ્રિ-પ્લાન મર્ડર હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. જો કે પરિવારના આક્ષેપ વચ્ચે વિદ્યાર્થીનીના મોત કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
ડીંડોલીની રૂક્ષ્મણી પાર્ક સોસાયટીમાં રહેતી બી.એડની વિદ્યાર્થીની મધુસ્મિતા સુશાંત શાહુ ગત રોજ રાબેતા મુજબ કામરેજ ખાતે કોલેજ જવા નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં વેસુના રાજડ્રીમ કોમ્પ્લેક્ષમાં કોફી કેસ્ટલ નામના કપલ બોક્સમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેને તેનો વિધર્મી મિત્ર સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો ત્યારે તબીબોએ મૃત જાહેર કરતા ત્યાંથી ભાગી ગયો હતો. આ પ્રકરણમાં મધુસ્મિતાના પરિવારે હત્યાનો આક્ષેપ કરી તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાની માંગણી કરી હતી. જો માંગણી નહીં સંતોષાય તો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પો. કમિશ્નર અજય તોમરે આ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધી છે.

Article Content Image

જયારે આજ રોજ મધુસ્મિતાના પિતાએ આક્ષેપ કર્યો હતો કે મદની નામના વિધર્મી યુવાને મહેશ નામ ધારણ કરી હેરાન કરતો હતો. ત્રણેક વર્ષ અગાઉ પુત્રીએ જાણ કરતા કોલેજમાં જઇ મદનીને ઠપકો આપ્યો હતો અને કોલેજના સ્ટાફને પણ જાણ કરી હતી. ગત રોજ મધુસ્મિતા સાથે બનેલી ઘટનાને વિધર્મી યુવાનનું પ્રિ-પ્લાન મર્ડર હોવાનું અને તેમાં કોફી શોપ સંચાલક પણ સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત વિધર્મી યુવકે મહેશ નામ ધારણ કરી મધુસ્મિતા સાથે મિત્રતા કેળવી હોવાથી પુત્રી લવ-જેહાદનો ભોગ બન્યાનો પણ આક્ષેપ કર્યો છે.

મધુસ્મિતા પેટમાં દુઃખે છે કહી કોલેજથી ઘરે જવા નીકળી અને....
રાબેતા મુજબ કામરેજ ખાતે કોલેજ જવા નીકળેલી મધુસ્મિતા કઇ રીતે વેસુના કોફી શોપમાં પહોંચી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં મધુસ્મિતા કોલેજમાં તેની ફ્રેન્ડને પેટમાં દુઃખે છે એટલે ઘરે જાઉં છું એમ કહીને નીકળી હતી તો કઇ રીતે કોફી શોપમાં પહોંચી હતી. બીજી તરફ કોફી શોપમાં વિધર્મી યુવાન સાથે જઇ રહેલી મધુસ્મિતા સાથે કોઇ જબરજસ્તી કરવામાં આવી રહી ન હતી તેવું પણ સીસીટીવી ફૂટેજમાં નજરે પડી રહ્યું છે. જેથી મધુસ્મિતા સાથે એવી તો કઇ ઘટના બની કે તે મોતના મુખમાં ધકેલાઇ ગઇ તે અંગે મુંઝવણ ઉભી થવા પામી છે.

Gujarat