ગુણવત્તા પર સવાલો,MSU હોસ્ટેલની મેસમાં 50 ટકા વિદ્યાર્થિનીઓ જમવાનું ટાળે છે
વડોદરાઃ ફૂડ પોઈઝનિંગની ઘટનાએ એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાં ચલાવવામાં આવતી મેસમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા પર સવાલો ઉભા કર્યા છે.હોસ્પિટલમાં દાખલ થયેલી વિદ્યાર્થિનીઓએ વાતચીત દરમિયાન ચોંકાવનારી કેફિયત રજૂ કરી હતી.
સત્તાધીશોએ જે તે સમયે કાર્યવાહી ના કરી
એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, ગત વર્ષે પણ ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસની સેન્ટ્રલ કેન્ટીનમાં ઈયળ નીકળી હતી અને તેની ફરિયાદ પણ કરી હતી.આમ છતા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી કરી નહોતી.જો તે વખતે પગલા લેવાયા હોત તો કદાચ આવો બનાવ ના બન્યો હોત.આ કોન્ટ્રાક્ટર હવે જોઈએ નહીં.અમે સત્તાધીશો સમક્ષ ફરિયાદ કરવાના છે.
મને શું ખબર કે મેસમાં જમીશ તો હોસ્પિટલ પહોંચીશ?
દીવથી અભ્યાસ કરવા આવેલી એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મને શું ખબર કે મેસમાં ભોજન કરવાથી આ પરિણામ આવશે?અગાઉ તો ક્યારેય મને આ પ્રકારનો અનુભવ થયો નથી.
ઘણી ગર્લ્સ ટિફિન મંગાવે છે કે બહાર જમવા જાય છે
ફાઈન આર્ટસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, હું મેસમાં નથી જમતી અને બહારથી ટિફિન મંગાવું છું.કારણકે મને મેસનું જમવાનું ફાવતું નથી.મારી જેમ ઘણી વિદ્યાર્થિનીઓ એવી છે જે ટિફિન મંગાવે છે. કદાચ ૫૦ ટકા વિદ્યાર્થિનીઓ મેસમાં ભોજન નથી કરતી અને જમવા માટે ટિફિન મંગાવે છે અથવા બહાર જાય છે.
મેસમાં પનીરની વાનગીઓ ખાવાનું ટાળું છું
અન્ય એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, પનીરની વાનગીઓ જ્યારે પણ પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ મને ક્યારેય બરાબર લાગ્યો નથી અને તેના કારણે હું આ પ્રકારની વાનગીઓને ખાવાનું ટાળું છું.
ભોજન કર્યું ત્યારે કશું બગડેલું હોય તેવું ના લાગ્યું
અન્ય વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, અગાઉ ક્યારેય આવું થયું નથી.મંગળવારે રાત્રે હું જમી ત્યારે પણ કોઈ વાનગી બગડેલી હોય કે તેનો સ્વાદ ખરાબ હોય તેવું લાગ્યું નહોતું.
ઉલટીઓ થયા બાદ હું લગભગ બેભાન થઈ ગઈ
કીમથી અભ્યાસ કરવા માટે આવેલી સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થિનીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, રાત્રે ૧૧ વાગ્યે મને પેટમાં અસહ્ય દુખાવો ઉપડયો હતો.ઉલટી થઈ હતી અને હું લગભગ બેભા થઈ ગઈ હતી.મને હોસ્ટેલમાંથી સયાજી હોસ્પિટલમાં કેવી રીતે લાવવામાં આવી તે પણ બહું યાદ નથી.