સગાઇ તુટતા યુવતીએ યુવકની તબીબ પત્નીને બદનામ કર્યાની ફરિયાદ
ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવીને વાંધાજનક પોસ્ટ મુકી
રાજકોટમાં રહેતી યુવતી વિરૂદ્ધ તબીબ યુવતીની ફરિયાદને આધારે ક્રાઇમબ્રાંચ કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ,બુધવાર
શહેરના રાજકોટમાં રહેતી એક યુવતીએ તેની સગાઇ તુટયા બાદ બદલો લેવા માટે યુવકની પત્નીને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને વાંધાજનક પોસ્ટ મુકી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે.
મુળ રાજકોટમાં રહેતી ૨૮ વર્ષીય યુવતી તબીબ તરીકે અમદાવાદ અને રાજકોટની વિવિધ હોસ્પિટલમાં સેવા આપે છે. તેમના લગ્ન રાજકોટમાં રહેતા યુવક સાથે થયા હતા. થોડા દિવસ પહેલા તબીબ યુવતીના નામથી ભળતા બે ઇન્સ્ટાગ્રામ આઇડી બન્યા હોવાની જાણ થઇ હતી. જેમાં તબીબ યુવતી અંગે વાધાજનક પોસ્ટ મુકવામાં આવી હતી. તે ઇન્સ્ટાગ્રામની લીંક તબીબી યુવતીના સગાઓને પણ મોકલવામાં આવી હતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તબીબ યુવતીના પતિની સગાઇ જાન્યુઆરી ૨૦૨૨માં રાજકોટમાં જ રહેતી યુવતી સાથે થઇ હતી. જે સગાઇ નવ મહિના રહી હતી. પરંતુ, કોઇ કારણસર તેમના સગાઇ તુટી હતી. એટલુ જ નહી જ્યારે તબીબ યુવતીના લગ્ન થયા ત્યારે તેણે લગ્નમાં પણ હોબાળો કર્યો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારબાદ તે સતત તબીબ યુવતી અને તેના પતિને બદનામ કરવા માટે પ્રયાસ કરી હતી અને તેણે તબીબ યુવતીના ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચે કાર્યવાહી હાથ ધરી છે.