બોયફ્રેન્ડ સાથે તકરાર થયા પછી યુવતીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો

વડોદરા,બોયફ્રેન્ડ સાથે તકરાર થયા પછી ૧૮ વર્ષની યુવતીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જ્યારે પ્રતાપગંજના યુવકે બીમારીથી કંટાળીને જીવ ટૂંકાવી દીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સમતા ગ્રાઉન્ડ પાસે કૃષ્ણવાટિકા સોસાયટીમાં રહેતી ૧૮ વર્ષની જાનવી વિજયભાઇ સોલંકી વુડા સર્કલ નજીક એક કાફે શોપમાં નોકરી કરતી હતી. પરિવારથી અલગ તે રૃમમાં બહેનપણી સાથે રહેતી હતી. બે દિવસ પહેલા મોબાઇલ ફોન પર વાત કરવાના મુદ્દે જાનવીને બોયફ્રેન્ડ સાથે તકરાર થઇ હતી. આજે તેની રૃમ પાર્ટનર સવારે પોતાની નોકરી પર જતી રહી હતી. બપોરે જાનવીના બોયફ્રેન્ડનો મિત્ર અને મિત્રની પત્ની જાનવીની રૃમ પર ગયા ત્યારે તેમણે જાનવીને ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. તેમજ જાનવીનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં મોકલી આપ્યો હતો. આપઘાતનું કારણ બોયફ્રેન્ડ સાથેની તકરાર હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રતાપગંજ રોઝરી સ્કૂલની બાજુમાં શંકરનગરમાં રહેતા સાગર અનિલભાઇ મરાઠે ( ઉં.વ.૩૫) ગઇકાલે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, સાગર મરાઠે બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હતો.
ગોત્રી રોડ હરિનગર ઇસ્કોન મંદિરની સામે નારાયણપુરામાં રહેતો ૨૭ વર્ષના વિશાલ ગોવિંદભાઇ વસાવા રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો. પત્ની સાથે રહેતા વિશાલ વસાવાએ ગઇકાલે સાંજે ઘરે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જે અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









