પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો
વાળ પકડી માથું દીવાલમાં અફાળ્યું : ત્રણ સામે ગુનો દાખલ

વડોદરા,પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતીના વાળ પકડી હુમલો કરી દીવાલમાં માથું અફાળી ઇજા પહોંચાડી હતી. જે અંગે કારેલીબાગ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
દંતેશ્વર મહાકાળી નગરમાં રહેતા તુલસીબેન અનિકેતભાઇ કહારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે બપોરે મારી મમ્મીએ મને કોલ કરીને જણાવ્યું હતું કે, અહીંયા પોલીસ આવી છે. થોડીવાર પછી મારા મમ્મીના પાડોશમાં રહેતા રીનાબેન કહારની દીકરીએ ફોન કરીને કહ્યું કે, તારા મમ્મીએ અમારા વિરૃદ્ધમાં પોલીસમાં અરજી આપી અમારા ઘરે પોલીસ મોકલી છે. તું અહીંયા આવ. હું મારી નણંદ તથા નણંદોઇ સાથે મારી મમ્મીના ઘરે ગઇ હતી. હું બાઇક પરથી ઉતરીને મારી મમ્મીના ઘરે જતી હતી. ત્યારે કલાબેન ગોપાલભાઇ કહાર મને રસ્તામાં મળ્યા હતા. મને ગાળો બોલી તેઓએ મારા પર હુમલો કર્યો હતો. મારા નણંદોઇ અને નણંદ વચ્ચે મને છોડાવવા વચ્ચે પડયા હતા. તે દરમિયાન અશ્વિની તથા અન્ય શાઓ કહાર દોડી આવ્યા હતા. ત્રણેયે ભેગા મળીને વાળ પકડી મને માર માર્યો હતો. મારૃં માથું દીવાલમાં અફાળતા મને ઇજા થઇ હતી.

