Gujarat

રિલેશનશિપ તોડી નાંખનાર વિદ્યાર્થિની પર જૂના બોયફ્રેન્ડનો હુમલો

By GS TEAM
11 Oct 20251 min read
રિલેશનશિપ તોડી નાંખનાર વિદ્યાર્થિની પર જૂના બોયફ્રેન્ડનો હુમલો

 વડોદરા,રિલેશનશિપ તોડી નાંખનાર વિદ્યાર્થિનીને ધમકાવી હુમલો કરનાર જૂના બોયફ્રેન્ડ સામે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી ઝડપી પાડયો છે.

શહેર નજીકની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી  વિદ્યાર્થિનીએ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સવારે અમારી કોલેજમાં એક્ઝિબિશન હોઇ હું ગઇ હતી. બપોરે એક્ઝિબિશન પુરૃં થતા  હું અને મારા મિત્રો બહાર  બેઠા હતા. તે દરમિયા આર્ય ઠાકર નામનો યુવક કોલેજમાં આવીને બૂમાબૂમ કરતો હતો. હું તેની સાથે બે વર્ષથી રિલેશનશિપમાં હતી. તેનું વર્તન મને પસંદ નહીં હોવાથી ગત જૂન મહિનાથી મેં તેની સાથેના સંબંધો પૂરા કરી દીધા હતા. પરંતુ, તે મને અવાર - નવાર મળવા આવતો હતો. ગઇકાલે હું તેેેને સમજાવવા માટે કોલેજથી થોડે દૂર મારી  ગાડીમાં લઇને ગઇ હતી. તે મારા  પર ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યો હતો અને ધમકી આપી કહેવા લાગ્યો કે, તું કેમ મારી સાથે રિલેશનશિપ રાખતી નથી.  હું તને જોઇ લઇશ. તેણે મને ધક્કો મારતા મારૃં માથું ગાડીના બોનેટ સાથે અથડાતા મને ચક્કર આવી ગયા હતા. હું કારમાં બેસવા જતા તેણે જોરથી દરવાજો બંધ કરતા મારી આંગળીઓ દરવાજામાં આવી જતા ઇજા થઇ હતી. કોઇએ પોલીસ કંટ્રોલ રૃમમાં  કોલ કરતા  આર્ય સુનિલભાઇ ઠાકર, ઉં.વ.૨૧ (રહે. રામેશ્વર ડૂપ્લેક્સ, સોમા તળાવ, વડોદરા) ત્યાંથી ભાગી ગયો હતો.