Rajkot news : રાજકોટના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવનારી એક ઘટનામાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આરોપો લાગ્યા છે. આ મામલે ગુરુવારે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કાર્યકરોએ ભીમાણીનું મોઢું શાહીથી કાળું કરી દીધું હતું. જોકે, આ ગંભીર ઘટનામાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદનું કેન્દ્ર અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ગિરીશ ભીમાણીની આબુ ટૂર છે. આરોપો અનુસાર, 12 અને 13 જાન્યુઆરીના રોજ આયોજિત આ પ્રવાસમાં ભીમાણીએ નશાની હાલતમાં 10 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં અને છેડતી કરી હતી.
સંસ્થા દ્વારા હકાલપટ્ટી, પણ પોલીસ ફરિયાદ નહીં
આ ઘટના પ્રકાશમાં આવતા જ ગજેરા સંકુલે ગિરીશ ભીમાણીને તેમના તમામ પદો પરથી તાત્કાલિક અસરથી દૂર કરી દીધા હતા. જોકે, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
NSUIનો આક્રમક વિરોધ અને મુખ્ય માંગણીઓ
આ સમાધાન સામે રોષ વ્યક્ત કરતા NSUIના કાર્યકરોએ 'ગિરીશ ભીમાણી મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા. તેમણે ભીમાણીના પૂતળાનું દહન કર્યું અને તેમને રસ્તા પર આંતરીને તેમના ચહેરા પર શાહી લગાવી વિરોધ નોંધાવ્યો હતો. NSUIએ આ ઘટનામાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કર્યો કે, "ભીમાણી ભાજપના કાર્યકર હોવાથી તેમને રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી નથી." બીજી બાજુ મહિલા કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે પણ આ મામલે રોષ વ્યક્ત કરતાં સરકાર સામે આકરા પ્રહરો કર્યા હતા. અમરેલી જિલ્લા વિદ્યાસભાએ પણ ગિરીશ ભીમાણીને નિયામક કોલેજ વિભાગની તમામ જવાબદારીથી મુક્ત કરી દીધા હતા.

સંગઠનની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:
તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
આબુની જે હોટલમાં પ્રવાસ દરમિયાન રોકાણ કર્યું હતું, તેના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે.
દોષિત સાબિત થવા પર ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.
આ ઘટનાએ શિક્ષણ જગતની ગરિમા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને હવે સૌની નજર પોલીસ અને પ્રશાસન આ મામલે શું પગલાં લે છે તેના પર મંડાયેલી છે.


