ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડેલું બાળક સ્થાનિકોએ બચાવી લીધું, તંત્ર સામે લોકોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર ખાડે ગયું છે! ન કોઈ માણસના જીવની ચિંતા છે ન ઢંગના કામની, બસ વિકાસની મોટી મોટી વાતો કરી ગ્રાન્ટ લો અને રમણભમણ કામ કરો એ પણ લાપરવાહી સાથે, આજે તાલાલા-સાસણ રોડ પર તંત્રના પાપે ખુલ્લી રહી ગયેલી ગટરમાં એક 10 વર્ષનું બાળક ચાલતા ચાલતા પડી ગયું, સદનસીબે સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો છે, પણ જો જીવ જતો રહ્યો હોત તો જવાબદાર કોણ?
રોડનું કામ ચાલુ, ગટરોના ઢાંકણા ખુલ્લા
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ પર એક બાળક રસ્તા પર ચાલતું ચાલતું જઈ રહ્યું હતું. જેની ઉંમર 10 વર્ષ આસપાસ હતી, એટલે અણસમજ તો ન જ હતું. એ જ રોડ પર હાલ રસ્તા રીપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ગટરોના ઢાંકણા કોઈ પણ સુરક્ષા બોર્ડ કે જગ્યા કોર્ડન કર્યા વગર ખુલ્લા છોડી દેવાયા છે. અચાનક જ બાળક ખુલ્લી ગટરમાં ખાબકે છે અને ચીસાચીસ મચી જાય છે. જો કે આ બાળકને ત્યાં હાજર સ્થાનિકો ગટરમાં પડતાં જોઈ જાય છે એટલે તાત્કાલિક દોડી આવી બાળકનું રેસ્ક્યૂ કરે છે. નસીબના આધારે બાળક તો બચી ગયું હતું. પરિવારને જાણ થતાં તે પણ અધ્ધર શ્વાસે દોડી આવ્યો હતો. દીકરાને હેમખેમ જોઈ તેમના જીવમાં પણ જીવ આવ્યો હતો.
બાળક ધોરણ 5માં ભણતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી જરૂરી સારવાર પણ આપવામાં આવી હતી મહત્વનું એ છે કે સ્થાનિકોના દાવા પ્રમાણે જાહેરનામું પૂર્ણ થઈ ગયું હોવા છતાં રોડનું કામ હાલ ગોકળ ગતિએ થઈ રહ્યું છે. ગટરોના ઢાંકણા ખુલ્લા છે. કોન્ટ્રાક્ટર, નગરપાલિકા અને PWD વિભાગ પ્રજાના પૈસે રોડનું કામ તો થઈ રહ્યું છે. પણ સુરક્ષાના નામે હંમેશાની જેમ મીંડું છે. હાલ રોડના કામને લઈ જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાય તેવી માગણી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. કાશ આ ઘટના પછી તંત્ર જાગે અને ગટરના ખુલ્લા ગટરના ઢાંકણાને બંધ કરી અન્ય કોઈ આ અઘટિત ઘટના ન બને તેની કાળજી રાખે.









