| AI Image |
Leopard Attack On Father And Son : ઉનાના ગાંગડા ગામમાં ગત રાત્રે પિતા-પુત્રની બહાદુરીનો એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય. પોતાના વ્હાલસોયા પુત્રને દીપડાના જડબામાં ફસાયેલો જોઈ 60 વર્ષીય પિતા કાળ સમાન દીપડા સામે લડ્યા હતા અને તેને મોતને ઘાટ ઉતારી પુત્રનો જીવ બચાવ્યો હતો.
દીપડાને હુમલો ભારે પડ્યો
ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર ઉના-ભાવનગર રોડ પર આવેલા ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા રહે છે. ગત રાત્રે તેઓ પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા, ત્યારે અચાનક અંધારાનો લાભ લઈ એક ખૂંખાર દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. પિતાની ચીસો સાંભળીને તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દુલ તાત્કાલિક પિતાની વહારે દોડી આવ્યો હતો. શાર્દુલને જોઈ દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દુલ પર જીવલેણ હુમલો કરી તેને જડબામાં પકડી લીધો હતો.
દાતરડાથી ઘાતક હુમલો
જો કે પુત્રને મોતના મુખમાં જોઈ પિતા બાબુભાઈએ પોતાના જીવની પરવા કર્યા વગર દીપડાની સામે પડ્યાં હતા. તેમણે તુરંત જ બાજુમાં પડેલા દાતરડાથી દીપડા પર તુટી પડ્યાં હતા. દાતરડાના ઘાતક ઘા વાગતા દીપડાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
પિતા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત
આ લોહિયાળ જંગમાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 60 વર્ષીય બાબુભાઈને દીપડાએ નહોર અને બચકાં ભરતા શરીરે ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેમને 50 થી વધુ ટાંકા લેવા પડ્યા છે.
વનવિભાગ એક્ટિવ
ઘટનાની જાણ થતા જ જસાધાર આર.એફ.ઓ. (RFO) સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. વન વિભાગે મૃત દીપડાનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. હુમલામાં વપરાયેલા હથિયારો પણ વન વિભાગે તપાસ અર્થે કબજે કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


