સિંહદર્શન પરમિટ કૌભાંડ: બલ્ક બુકિંગથી કાળા બજારમાં 12,000 ટિકિટો વેચી, 3ની ધરપકડ

Gir Safari Booking Scam : સાસણ ગીરમાં સિંહદર્શન માટેની ઓનલાઈન પરમિટ બુક કરાવીને તેને બ્લેકમાં ઊંચા ભાવે વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. CID સ્ટેટ સાયબર સેલે આ મામલે મોટી કાર્યવાહી કરીને બે ટ્રાવેલ એજન્સીના સંચાલકો સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમણે 12 હજારથી વધુ પરમિટનું અનઅધિકૃત બુકિંગ કર્યું હતું.
મોટી ટ્રાવેલ એજન્સીઓ સામે પગલાં
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ બોગસ દસ્તાવેજો, ખોટી ઓનલાઈન ટ્રિક્સ અને ટેકનિકલ ક્ષતિઓનો લાભ લઈને મોટા પાયે સામૂહિક બુકિંગ કરતા હતા. CID સાયબર સેલે અમદાવાદની AB ટુર્સ એન્ડ ટ્રાવેલ અને જૂનાગઢની નાઝ ટ્રાવેલ સામે કાર્યવાહી કરી છે. પકડાયેલા ત્રણ આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 12,000 જેટલી પરમિટ ખોટી રીતે બુક કરીને તહેવારોનો લાભ લઈને વધુ ભાવે વેચી હતી. આ સમગ્ર કૌભાંડમાં લાખો રૂપિયાની નાણાકીય લેવડદેવડ થઈ હોવાનું પોલીસનું અનુમાન છે.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી
CID સાયબર સેલની તપાસમાં કૌભાંડની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ સરકારની સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી છથી વધુ બોગસ વેબસાઇટ્સ બનાવી હતી. ટ્રાવેલ્સ એજન્સીના નામે અલગ-અલગ ઈમેઈલ આઈડીમાં સામાન્ય ફેરફાર કરીને તેમજ એક જ નામથી વધુ બુકિંગ કરીને તેઓ પરમિટનો જથ્થો મેળવી લેતા હતા.
આરોપીના નામ
- અલ્પેશ મનસુખલાલ ભલાણી (રહે. હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ)
- સુલતાન ઉસ્માનભાઈ બલોચ (રહે. સાસણગીર, તા-મેંદરડા, જિ-જૂનાગઢ)
- એજાજ નુરમહમંદભાઈ શેખ (રહે. સાસણગીર, તા-મેંદરડા, જિ-જૂનાગઢ)
કુત્રિમ અછત અને બ્લેક માર્કેટિંગ
ખોટી રીતે બલ્કમાં બુકિંગ કરી લેવાના કારણે ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ પર પરમિટની કુત્રિમ અછત ઊભી થતી હતી. સામાન્ય નાગરિકોને પરમિટ ન મળતાં, આરોપીઓ ઊંચા ભાવ વસૂલીને આ અનઅધિકૃત પરમિટનું બ્લેકમાં વેચાણ કરતા હતા.
ગુજરાત બહારના તાર અને અન્ય કૌભાંડ
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના તાર ગુજરાત રાજ્યની બહાર પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સિંહદર્શન પરમિટ ઉપરાંત રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને ટેન્ટ સિટીમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી બુકિંગ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે, જે અંગે પણ તપાસ ચાલી રહી છે.
CID સાયબર સેલે SOG અને અન્ય ટીમની મદદથી નાણાકીય લેવડદેવડ અને અન્ય વેબસાઇટની ભૂમિકા અંગે વધુ તપાસ શરૂ કરી છે. જોકે, આ કૌભાંડમાં સરકારી વિભાગોના કર્મચારીઓની સંડોવણી હજુ સુધી બહાર આવી નથી. આ મામલો ઉજાગર થતાં પોલીસે અપીલ કરી છે કે, નાગરિકોએ સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ.
આ પણ વાંચો: દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઈડલાઇન જાહેર
કેવી રીતે કરાવશો બુકિંગ?
સિંહદર્શન માટે વન વિભાગની સત્તાવાર વેબસાઈટ girlion.gujarat.gov.in પરથી સફારી પાર્કની મુલાકાનો સમય, ફી સહિતની તમામ જરૂરી માહિતી મેળવી શકે છે અને સિંહદર્શન કરવા ઈચ્છતા તમામ પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ પણ ત્યાંથી જ કરાવી શકે છે. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ તથા ટેલીગ્રામમાં આવતી ટુરિઝમ બુકિંગ માટેની વેબસાઈટની જાહેરાત વાળી લિંક પર ક્લિક કરવું નહીં.