રિવરફ્રન્ટ આસપાસ ખાનગી જમીનોનું ડેવલપમેન્ટ પણ ગિફ્ટ સિટી દ્વારા કરાશે
શહેરી વિકાસ વિભાગ દ્વારા વિધિવત નોટિફિકેશન બહાર પડાયું
ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવશે ઃ ખેડૂતોની જમીનમાં ૫૦ ટકા કપાત કરાશે ઃ ડેવલપમેન્ટ ચાર્જ પણ વસૂલવામાં આવશે
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં
હાલ જે પ્રકારે ઇમારતો બની રહી છે અને તેમાં ગુજરાત કે ભારતની નહીં પરંતુ વૈશ્વિક
કક્ષાની કંપનીઓ પણ આવી રહી છે અને આ પ્રકારે હજુ અન્ય ઇમારતો પણ આકાર પામી રહી છે.
વૈશ્વિક કક્ષાની સુવિધાઓ સાથે તૈયાર થનારી આ ગિફ્ટ સિટી સાબરમતી નદીના કિનારે
આવેલું છે ત્યારે ત્યારે અહીં રિવરફ્રન્ટનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પણ અમલમાં મૂકવામાં
આવ્યો છે અને તેની કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી છે ત્યારે ગિફ્ટ સિટી ઉપરાંત
રિવરફ્રન્ટ આસપાસનો વિસ્તાર પણ આ જ પ્રકારે વૈશ્વિક ધોરણે વિકસે તે માટે ગિફ્ટ
સિટી દ્વારા આ વિસ્તારની ટાઉન પ્લાનિંગની સ્કીમ તૈયાર કરવામાં આવશે. આ માટે શહેરી
વિકાસ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને ગિફ્ટ સિટી
ડેવલોપમેન્ટ ઓથોરિટીની હદમાં આવતી આ ખાનગી જમીન ઉપર ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર
કરીને ખેડૂતોને ફાઇનલ પ્લોટ આપવામાં આવશે. જોકે તેમાં ૫૦ ટકા જેટલી જમીન કપાત
કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અને કપાતમાં ગયેલી જમીનમાં માળખાકીય સુવિધાઓ
ઊભી કરવામાં આવશે જે અત્યાર સુધી કોઈપણ શહેરી વિસ્તારમાં ઊભી કરવામાં નહીં આવી હોય
તે પ્રકારની રહેશે. એટલું જ નહીં આ જમીન ઉપર થનારા ડેવલોપમેન્ટ બદલ પ્રતિ ચોરસ ફુટ
ચાર રૃપિયા લેખે ચાર્જ પણ વસૂલવામાં આવશે જ્યારે મહત્તમ બીલ્ટપ એરિયા પર ૮ રૃપિયા
લેખે ચાર્જ લેવામાં આવશે.
રિવર ફ્રન્ટ ઉપર ઉંચી ઇમારતો જોવા મળશે
આગામી સમયમાં તૈયાર થનારા રિવરફ્રન્ટ આસપાસની ખાનગી
જમીનોમાં ટાઉન પ્લાનીંગની સ્કીમ ગિફ્ટ સિટી દ્વારા તૈયાર કરવામાં આવનાર છે. જેથી
રિવરફ્રન્ટ આસપાસ આગામી સમયમાં ઊંચી ઇમારતો જોવા મળશે. કેમકે અહીં વધારાની એફએસઆઇ
પણ આપવામાં આવશે અને વૈશ્વિક કક્ષાની ઇમારતો આકર્ષણનું કેન્દ્ર બનશે. ગાંધીનગરથી
અમદાવાદ વચ્ચે આ રિવરફ્રન્ટને જોડી દેવામાં આવશે. જેથી ગિફ્ટ સિટી આવવા માટેનો નવો
માર્ગ પણ તૈયાર થશે.