Gujarat

ધ્રાંગધ્રાના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

By GS TEAM
16 Jun 20252 mins read
ધ્રાંગધ્રાના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

- આગામી તા. 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે

- ઘુડખર સહિતના પ્રાણીઓના બ્રિડિંગ દરમ્યાન વિક્ષેપ ન પડે માટે નિર્ણય : ઘુડખરની સંખ્યા 7,672 નોંધાઈ 

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના કચ્છનું નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ્યમાં વિદેશી પક્ષી તેમજ ઘુડખરને જોવા  હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. ત્યારે હાલ ચોમાસાની સીઝન દરમ્યાન ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પીરીયડ હોવાથી કોઈ ખલેલ ન પડે તે માટે આગામી તા.૧૫ ઓક્ટોબર સુધી વન વિભાગ દ્વારા ઘુડખર અભ્યારણ્યને બંધ કરવામાં આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચો.કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું છે ત્યારે રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. જેને જોવા માટે સમગ્ર રાજ્ય સહિત દેશમાંથી હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. હાલ ચોમાસાની સીઝનનો પ્રારંભ થયો છે ત્યારે ઘુડખર પ્રાણીઓ સહિતની પ્રજાતિઓના બ્રીડીંગ પીરીયડ દરમ્યાન કોઈ અડચણ તેમજ વિક્ષેપ ન પડે તેવા હેતુથી છેલ્લા ઘણા વર્ષોથી વન વિભાગ દ્વારા ચોમાસાના ચાર મહિના દરમ્યાન માટે પ્રવાસીઓ માટે ઘુડખર અભ્યારણ્ય બંધ કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ તા.૧૫ જુનથી ૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્ય બંધ કરવામાં આવતા પ્રવાસીઓને ચાર મહિના સુધી રાહ જોવી પડશે.

ઘુડખર માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતું હોવાથી પર્યટકોનો ધસારો વધુ

રણમાં આવેલ ઘુડખર દુર્લભ્ય પ્રાણી છે અને બીજે કયાંય જોવા મળતું નથી ત્યારે કચ્છના નાના રણમાં છેલ્લે થયેલ ગણતરી મુજબ અંદાજે ૭,૬૭૨ જેટલી ઘુડખરની સંખ્યા નોંધાઈ છે. જેને જોવા માટે દર વર્ષે વિદેશીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે ત્યારે ગત વર્ષે પણ ૧૨,૦૦૦ થી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને અભ્યારણ્યને ૨૩ લાખથી વધુ આવક પણ થઈ હતી.