યુવરાજસિંહ અને કિરણ જેલમાં ધકેલાયા ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી તેમજ ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર
રવિ મિસ્ત્રીનું અમદાવાદનું ઘર છેલ્લા બે મહિનાથી બંધ ઃ યુવરાજ અને કિરણના રિમાન્ડ માટે હાઇકોર્ટમાં રિવિઝન કરાશે
વડોદરા, તા.14 રૃા.૨ લાખની લાંચના કેસ બાદ વડોદરાની ખાણ ખનિજ વિભાગની કચેરીના ભૂસ્તરશાસ્ત્રી તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ફરાર થઇ ગયા છે. બંનેની શોધખોળ માટે એસીબી દ્વારા વ્યાપક તપાસ કરવા છતાં બંનેનો પત્તો મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે રેતીના સ્ટોકની મંજૂરી માટે રૃા.૨ લાખની લાંચ લેતા વડોદરાની ખાણ ખનિજ વિભાગની કચેરીમાં અગાઉ ફરજ બજાવતા પરંતુ હાલ આણંદની કચેરીમાં નોકરી કરતા સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને એસીબીએ રંગે હાથ ઝડપી પાડયો હતો. ત્યાર બાદ આ કચેરીમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે કામ કરતાં કિરણ કાંતિભાઇ પરમારને પણ તેના પાદરા તાલુકાના લુણા ગામે રાત્રે ઊંઘતો ઝડપી પાડયો હતો.
ગઇકાલે એસીબીએ બંનેને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે બંનેના રિમાન્ડ નામંજૂર કરી બંનેને જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. દરમિયાન ખાણ ખનિજ વિભાગના ભ્રષ્ટાચારના આ કેસમાં વડોદરા કચેરીના ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી તેમજ રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજી ફરાર છે. એસીબી દ્વારા ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રીના અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કૃષ્ણ કુટીર એપાર્ટમેન્ટમાં તપાસ કરતાં તે ઘર છેલ્લા બે મહિનાથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે રોયલ્ટી ઇન્સ્પેક્ટરનું આખું સરનામું મેળવી ડાકોર ખાતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે યુવરાજસિંહ ગોહિલ અને કિરણ પરમારના રિમાન્ડ નામંજૂર થતાં એસીબી દ્વારા હવે હાઇકોર્ટમાં રિવિઝન અરજી રિમાન્ડ માટે કરવામાં આવશે. આ ઉપરાંત ફરાર બંને આરોપીઓની શોધખોળ ચાલું છે.