Get The App

તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
તાલુકા પંચાયતમાં આજે સામાન્ય સભા ઃ ચૂંટણીલક્ષી રહેવાના એંધાણ 1 - image


વિકાસ કામોમાં બેલેન્સ જાળવવા પ્રયાસ થશે

વિપક્ષની ભૂમિકા પણ મહત્વની બની રહેશ ઃ વિવિધ ખર્ચની મંજુરીઓ અને ખર્ચ અવલોકનના મુદ્દા એજન્ડામાં સમાવાયાં

ગાંધીનગર :  ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તારીખ ૧૨મી ઓગસ્ટે બોલાવવામાં આવી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે ચૂંટણીલક્ષી બેઠક રહેવાના એંધાણ છે. બેઠકમાં ગ્રામ વિકાસ સંબંધેના આયોજન કરવામાં આવશે સાથે ખર્ચના હિસાબો અવલોકનમાં લઇને મંજુરીઓ અપાશે. ત્યારે વિપક્ષની ભૂમિકા મહત્વની બની રહેવા શક્યતા છે.

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા માટે ૭ મુદ્દા સાથેનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં ગત સભાની કાર્યવાહી નોંધને વંચાણે લઇને તેને બહાલ રાખવા અને અમલમાં મુકવા, છેલ્લી સામાન્ય સભાથી અત્યાર સુધીમાં તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલા ખર્ચના હિસાબો અવલોકનમાં લઇને તેને મંજુર કરવાની બાબત પણ સામેલ રાખવામાં આવી છે. આ સંબંધે પદ્દાધિકારીઓ દ્વારા કે વિપક્ષ દ્વારા કોઇ સવાલો ઉઠાવવામાં આવે છે, કે નહીં તે જોવાનું રહેશે. દરમિયાન વર્ષ ૨૦૨૫-૨૬ના અસલ અંદાજપત્ર અંતર્ગત ગ્રામ વિકાસના કામોનું આયોજન કરવામાં આવનાર છે. અગાઉ તેમાં વ્હાલા, દવલાની નીતિ અખત્યાર કરાયાના આક્ષેપ થયા હતાં. ત્યારે આ વખતે સાવચેતી રાખીને દરેક સભ્યોના વિસ્તારને આવરી લેવામાં આવે તેવી શક્યતા છે. બીજી બાજુ કચેરીમાં કરાવવામાં આવેલા રિનોવેશનના ખર્ચને મંજુર કરવા અને કચેરીના કામ માટે કોમ્પ્યુટરની ખરીદી કરવાની બાબતો સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી નવી બાબતો રજુ કરવામાં આવી શકે છે.

Tags :