ગુજરાત ચેમ્બરના પ્રમુખની મુદત એક વર્ષથી વધારી બે વર્ષ કરાશે
ગુજરાત ચેમ્બરના બંધારણમાં સૂચિત સુધારાઓ માન્ય કરાવવા માટે ૨૬મી મેએ બોલાવેલી અસાધારાણ સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવશે
સિનિયર વાઈસ પ્રેસિડન્ટ રાજેશ ગાંધીના સહમતી પત્ર મળી જતાં સંદીપ એન્જિનિયરની મુદતમાં એક વર્ષનો વધારો થઈ જશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર
ગુજરાત ચેમ્બરના વર્તમાન પ્રમુખ સંદીપ એન્જિનિયરની મુદત એક વર્ષથી વધારીને બે વર્ષની કરવાનો નિર્ણય લેવા માટે આગામી ૨૬મી મેએ ગુજરાત ચેમ્બરની અસાધારણ સામાન્ય બોલાવવામાં આવી છે. આ અંગે પહેલા ગુજરાત ચેમ્બરની કારોબારી સમિતિની ૩૦મી એપ્રિલે મળેલી બેઠકમાં ચર્ચા કરીને બંધારણમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજી મે અને ૧૨મી મેએ મળેલી ગુજરાત ચેમ્બરની બંધારણ સમિતિ અને બાયલાઝ કમિટીની બેઠકમાં પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત ચેમ્બરમાં નેતૃત્વ લાંબા સયમ સુધી એક જ વ્યક્તિના હાથમાં રહે તે જરૃરી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેના કારણો આપતા જણાવવામાં આવ્યું છે કે અત્યારે ચેમ્બરના ઘણાં પ્રોજેક્ટ્સ અમલના તબક્કામાં છે. તેમ જ સંખ્યાબંધ ઇવેન્ટ્સનું પણ આયોજન ચાલુ જ છે. આ બધાં માટે સરકારના સંપર્કમાં રહેલી વ્યક્તિ સતત સંપર્ક વધારીને તેના કામકાજને આગળ લઈ જાય તે જરૃરી છે. ત્રીજું, ટ્રેડ અને ટેરિફ વાર ચાલી રહ્યું છે. વિશ્વભરમાં પરિસ્થિતિમાં એકાએક મોટા બદલાવ આવી રહ્યા છે. તેથી એક જ વ્યક્તિના હસ્તક આ બધાં જ કામ આગળ ધપે તે પણ એટલું જ જરૃરી છે.
બંધારણમાં સૂચવેલા સુધારા મુજબ ગુજરાત ચેમ્બરના વર્તમાન પ્રમુખ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને જુનિયર પ્રેસિડન્ટની વધુ એક વર્ષ માટે પુનઃ વરણી થઈ શકે છે. હા, તેને માટે અત્યારે સિનિયર વાઈસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી રહેલા રાજેશ ગાંધીનો સહમતી પત્ર મળવો જરૃરી છે. ગુજરાત ચેમ્બરના બંધારણની કલમ ૪૦માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ અત્યારે સિનિયર વાઈસ પ્રેસિડન્ટ તરીકે સેવા આપી રહેલા રાજેશ ગાંધી આવતા વર્ષ માટે આપોઆપ જ પ્રમુખ બની જતાં હોવાથી તેમનો સહમતી પત્રની જરૃર છે. તેમને બદલે સંદીપ એન્જિનિયરે બીજા વર્ષ માટે પ્રમુખ તરીકે ચાલુ રહેવું હોય તો તેવા સંજોગોમાં એમ્પાવર્ડ એપેક્સ કમિટિની તેમને વધુ એક વર્ષ માટે પ્રમુખ તરીકે ચાલુ રાખી શકે છે. તેમ થાય તો સિનિયર વાઈસ પ્રેસિડન્ટ, જુનિયર વાઈસ પ્રેસિડન્ટની ચૂંટણી પણ નવેસરથી કરવી પડે તેમ છે.
સિનિયર વાઈસ પ્રેસિડન્ટ રાજેશ ગાંધી સહમતી ન આપે તો સંદીપ એન્જિનિયર નવા વર્ષ માટે પ્રમુખના હોદ્દા પર રહી શકે છે. પરંતુ સર્વની સહમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી રાજેશ ગાંધી તેમનો સહમતી પત્ર આપી જ દેશે. આમ સંદીપ એન્જિનિયર માટે વધુ એક વર્ષ માટે ગુજરાત ચેમ્બરના પ્રમુખના હોદ્દા પર રહેવા માટેનો માર્ગ ખોલવામાં આવી રહ્યો છે. પ્રમુખની સાથેસાથે જ સિનિયર વાઈસ પ્રેસિડન્ટ અને જુનિયર વાઈસ પ્રેસિડન્ટને પણ એક વર્ષ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ એક્સટેન્શન માત્ર માત્ર એક જ વર્ષનું રાખવામાં આવે તેવી ગણતરૃ મૂકવામાં આવી રહી છે.