વડોદરા, તા.25 વડોદરાની વિવિધ હોસ્પિટલોમાં છેલ્લા બે મહિનામાં ગુલીયન બારી સિન્ડ્રોમ (જીબીએસ)ના ઓછામાં ઓછા એક ડઝન કેસ નોંધાયા છે, જે એક દુર્લભ ઓટોઇમ્યુન ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મધ્ય ગુજરાત તેમજ વડોદરાની આસપાસના જિલ્લાઓમાં રહેનારાઓનો સમાવેશ થાય છે.
વડોદરાની એક હોસ્પિટલમાં નવ વર્ષનો છોકરો હાલમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં સારવાર હેઠળ છે, ડોક્ટરો કહે છે કે લાંબા ગાળાની સારવાર લેતા દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટની જરૃર છે. આ સ્થિતિ હોવા છતાં પરિવારો લાંબા ગાળાના રિકવરી સમયગાળા અને મોંઘી સારવાર માટેના ખર્ચનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના કેસ જીવલેણ નથી તેમ છતાં પરિવારજનોમાં ચિંતા ઉપજાવે છે.
એક બાળકના વાલીએ જણાવ્યું હતું કે મારા દીકરાને ૩ જાન્યુઆરીએ નાકમાંથી પાણી વહેતું હતું અને તે બીજા દિવસે પોતે ઊભો રહી શકતો ન હતો. અમે તેને તાત્કાલિક કારેલીબાગની ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેનું જીબીએસ રોગનું નિદાન થયું અને તે છેલ્લા ૨૦ દિવસથી આઇસીયુમાં છે, તેમણે કહ્યું કે પરિવારે સારવાર પાછળ અત્યાર સુધીમાં ૩ લાખ રૃપિયાથી વધુ ખર્ચ કર્યો છે.
હોસ્પિટલના ડેટા દર્શાવે છે કે એક લાખથી વધુ ખર્ચ આ બીમારી પાછળ ઓછામાં ઓછો થાય છે. જીબીએસ કેસોમાં સતત વધારો થયો છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ મહિને પાંચ જીબીએસ દર્દીઓ દાખલ થયા જેમાંથી એકને રજા આપવામાં આવી છે જ્યારે ચાર હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. સયાજી હોસ્પિટલમાં ડિસેમ્બરમાં સાત અને ગુરુવાર સુધીમાં છ વધુ કેસ નોંધાયા છે. સયાજી હોસ્પિટલમાં એક મહિનામાં સૌથી વધુ ચાર કેસ સપ્ટેમ્બરમાં નોંધાયા હતા.
સયાજી હોસ્પટલના બાળરોગ વિભાગના ભૂતપૂર્વ વડા, ડા. શીલા ઐયરે જણાવ્યું હતું કે જીબીએસના કેસોમાં વધારો થયો છે તેમજ નિદાનમાં સુધારો પણ થયો છે પરંતુ ચોક્કસ કારણ અસ્પષ્ટ છે. પોલિયો માટે હાથ ધરવામાં આવેલા એક્યૂટ ફ્લેક્સિડ પેરાલિસિસ (એએફપી) સર્વેલન્સથી અગાઉ જીબીએસ કેસ શોધવામાં મદદ મળી છે. વડોદરાની અનેક હોસ્પિટલોમાં માત્ર વડોદરાથી જ નહીં પરંતુ પંચમહાલ, દાહોદ અને અન્ય જિલ્લાઓમાંથી પણ સારવાર માટે દર્દીઓ આવી રહ્યા છે.
ડોકટરોના જણાવ્યા મુજબ સારવારમાં શરૃઆતના તબક્કા દરમિયાન ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન (આઇવીઆઇજી) અપાય છે, જે ખર્ચાળ છે. લગભગ ૨૦ કિલો વજનવાળા બાળક માટે ઇન્જેક્શનની કિંમત ૬૦,૦૦૦ થી ૮૦,૦૦૦ રૃપિયાની વચ્ચે હોય છે, અને તેની કિંમત દર્દીના વજન સાથે બદલાય છે.
કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં જીબીએસનું જોખમ વધારે
કોરોનાની બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓમાં ગુલીયન બારી સિન્ડ્રોમ(જીબીએસ) નામની ગંભીર બીમારીનું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને નાના બાળકોમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે.
કોરોનાના દર્દીઓમાં ઇમ્યૂનિટિ ડાઉન થાય અને દર્દીના બ્રેઇન અને સ્પાઇનલકોડમાં અસર કરે ત્યારે જીબીએસનું નિદાન કરવામાં આવે છે. તબીબોના જણાવ્યા મુજબ આ રોગના વારયસ શ્વસનતંત્ર દ્વારા ફેફસામાં પહોંચે અને તેની સાથે જ લકવાની અસર થવા માંડે છે. જો તેની સમયસર સારવાર ના મળે તો દર્દીને વેન્ટિલેટર પરે મૂકવામાં આવે છે.
શરીરની ઇમ્યૂન સિસ્ટમ પર એટેક કરતો જીબીએસનો વાયરસ
વાયરલ ઇન્ફેક્શન, ઝાડા તેમજ શરદી ખાંસીની ફરિયાદો બાદ જીબીએસનો વાયરસ શરીરની ઇમ્યૂન સિસ્ટમ પર એટેક કરે છે અને પ્રાથમિક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે શરીરના નીચેના અંગોમાં, પગમાં વિકનેસ આવે તેમજ શરીરમાં ઝણઝણાટી થાય બાદમાં તે શરીરના ઉપરના ભાગે સ્પ્રેડ થવા લાગે છે અને છેલ્લે લકવો પણ થઇ શકે છે.
તબીબોના મતે ઠંડીની ઋતુ દરમિયાન જીબીએસ વાયરસ બીમારીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. સામાન્ય સંજોગોમાં આ બીમારીને ઉપર ચડતો લકવો તરીકે ઓળખવામાં આવે છે. જીબીએસ બીમારી છે તેની જાણ ચારથી છ સપ્તાહ બાદ થાય છે અને તેની સારવાર બાદ તેમાંથી સંપૂર્ણ મૂક્તિ છ સપ્તાહ બાદ જ મળતી હોય છે.


