૧૭ વર્ષના સગીરનો વિડીયો ડીલીટ કરવાના બદલામાં ખંડણીની માંંગણી કરાઇ
ઓજેફ તીરમીજી સહિત ચાર વિરૂદ્ધ પોલીેસે ગુનો નોંધ્યો
આરોપીઓ વિરૂદ્ધ શાહપુર, કાંરજ અને વેજલપુરમાં પણ ફરિયાદ નોંધાઇ ચુકી છેઃ પોલીસે શોધખોળ શરૂ કરી
અમદાવાદ,રવિવાર
શહેરના આસ્ટોડીયામાં રહેતા ૧૭ વર્ષના સગીરને તેના મિત્રો સાથે થયેલી તકરારનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરી ડીલીટ કરવાના નામે ઓજેફ તીરમીજી અને તેની બહેન આબેદા પઠાણ તેમજ અન્ય બે વ્યક્તિઓએ ખંંડણી માંગી હોવાની ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ મથકે નોઁધવામાં આવી છે.
શહેરના આસ્ટોડીયા વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષના સગીરને ગત એપ્રિલ મહિનામાં પૈસાની લેતી દેતી મામલે સી જી રોડ મ્યુનિસીપલ માર્કેટમાં બોલાચાલી થઇ હતી. જે અંગે સમાધાન થઇ ગયું હતું. જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ઓજેફ અને આબેદા પઠાણના નામના વ્યક્તિના આઇડી પરથી વાયરલ થયો હતો. જેમાં તે સગીરની તકરારનો વિડીયો વાયરલ થયો હતો.
બાદમાં વોટસએપ પર એક કોલ આવ્યો હતો. કોલ કરનારે તેની ઓળખ ઓજેફ તીરમીજી તરીકે આપી હતી. તેણે વિડીયો ડીલીટ કરવાના બદલામાં ૧૦ હજારની માંગણી કરી હતી. આ સમયે સગીરે વોટ્સએપ કોલનો વિડીયો રેકોર્ડ કરાવ્યો હતો. ત્યારબાદ તે સગીર તેના મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઇને ઓજેફના કહેવા પ્રમાણે ખાનપુર નાણાં આપવા માટે ગયો હતો. જ્યાં આબેદા પઠાણ, અજીમ ખાન અને સાબિર શેખ હાજર હતા. તેમણે નાણાં લીધા હતા.તેમ છતાંય, ઓજેફે વિડીયો ડીલીટ કર્યો નહોતો અને પૈસાની માંગણી કરીને ધમકી આપવામાં આવતી હતી. છેવટે આ અંગે સગીરે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઓજેફ અને તેની બહેન આબેદા પઠાણ વિરૂદ્ધ કાંરજ અને શાહપુર પોલીસ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોઁધાઇ ચુક્યા છે. ત્યારે આગામી દિવસોમાં વધુ ફરિયાદ નોંધાઇ શકે છે.