Get The App

વડોદરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નાખતા તરસાલીના 300 મકાનમાં પુરવઠો ખોરવાયો

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નાખતા તરસાલીના 300 મકાનમાં પુરવઠો ખોરવાયો 1 - image

Vadodara Corporation : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વિજયનગર પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી વેળાએ કોન્ટ્રાક્ટરે વિજય નગર પાસે 125 એમએમની ગેસની લાઈન તોડી નાખતા અંદાજે 300 જેટલા મકાનોમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. જેથી નાગરિકોએ હાલાકી વેઠવી પડી હતી.

શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે કોર્પોરેશનનો કોન્ટ્રાક્ટર ડ્રેનેજની કામગીરી કરી રહ્યો હતો. આજે સવારે કામગીરી ચાલતી હતી તે વખતે ઇજારદાર દ્વારા અહીં ખોદકામ કરતી વેળાએ વિજયનગર પાસેથી પસાર થતી 125 એમએમની ગેસની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી. જેથી અહીં ગેસના ફુવારા ઉડ્યા હતા. બનાવની જાણ વીજીએલ (વડોદરા ગેસ લિમિટેડ)ને કરવામાં આવતા અહીં અધિકારીઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગેસનો પુરવઠો બંધ કરી મરામતની કામગીરી હાથ ધરી હતી. ગેસ પુરવઠો ખોરવાતા તરસાલીના વિજયનગર, શાંતિનગર સહિતના અંદાજે 300 જેટલા મકાનમાં ગેસ પુરવઠાનો સપ્લાય બંધ થઈ ગયો હતો. જેને કારણે રસોઈ કરતી ગૃહિણીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી. અંદાજે ત્રણ કલાકના સમયગાળામાં ગેસ પુરવઠો રાબેતા મુજબ થાય તેવું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ડ્રેનેજ લાઇનની કામગીરીના કારણે ગાજરાવાડી પાસેથી પસાર થતી એક ગેસ લાઈન ક્ષતિગ્રસ્ત કરી હતી. જેથી વહેલી સવારે કલાકો માટે ગેસ પુરવઠો ખોરવાયો હતો. આમ પાલિકાના ઇજારદારો દ્વારા વારંવાર બિનજવાબદારભરી કામગીરી થતાં નાગરિકોએ હેરાન થવું પડી રહ્યું છે.