સાયલામાં વીજ તંત્રના ધાંધિયાથી ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાઇ
- ગોડાઉનમાં જથ્થો પડયો છે પણ આપવો કેમઃ એજન્સી
- નિયમિત વીજ પુરવઠો નહીં મળતાં કેવાયસી અને બિલિંગની કામગીરી અટવાતા ગ્રાહકોને રઝળપાટ
સાયલા : સાયલામાં આવેલી ગૌતમ ઇન્ડિયન ગેસ એજન્સી પર નિયમિત વીજ પુરવઠો નહીં મળતા ઓનલાઇન બિલ નહીં બનતા ગેસ સિલિન્ડર વિતરણ વ્યવસ્થા ખોરવાઇ છે. આ ઉપરાંત સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે ગામડાઓમાંથી આવતા ગ્રાહકોને ગેસ એજન્સી પર કેવાયસી સમયસર ન થતા હાલાકી ભોગવી પડે છે.
સાયલમાં છેલ્લા ૧૦ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ગૌતમ ઇન્ડિયન ગેસ એજન્સીમાં ૨૦૦ કરતાં વધારે ગ્રાહકો રાંધણ ગેસ સિલિન્ડર વગર પરેશાન બન્યા છે.
ગેસ એજન્સીમાં સાયલા અને મૂળી તાલુકાના ૧૩ હજાર જેટલા ગ્રાહકો રહેણાંક ગેસ સિલિન્ડર તેમજ કોમશયલ કનેક્શન ધરાવે છે. અંતરિયાળ ગામડાઓમાંથી ઘર વપરાશ માટે ગેસ સિલિન્ડર લેવા આવતા હોય છે ત્યારે અનિયમિત વીજ પુરવઠાને લઈ ગેસ સિલિન્ડર ટાઇમ પર નહીં મળતા કલાકો સુધી બેસી રહેવાનો વારો આવે છે.
ધમાબેન દેવમોરારી, રાજેન્દ્ર સોલંકી, રવજીભાઈ પટેલ, ચંદુભાઈ ગોલાણી સહિતના ગેસ ધારકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સમયસર ગેસ સિલિન્ડર નહીં મળતા ઘરકામ સહિત તમામ કામો પડતા મૂકી અહીં કલાક સુધી બેસવાનો વારો આવ્યો છે અને ધરમધક્કો ખાવો પડે છે. જે ગ્રાહક માત્ર એક એક બોટલનું કનેક્શન ધરાવે છે તેવા ગ્રાહકોને વધારે હેરાનગતિ જોવા મળી રહી છે. ગેસ વિક્રેતા દ્વારા જણાવવામાં આવ્યું કે કોમ્પ્યુટરમાંથી બિલ કાઢયા વગર જો ગેસ બોટલોની ડીલેવરી કરવામાં આવે અને ચેકિંગ આવે તો સ્ટોક અંગે કાર્યવાહી થઇ શકે છે. તેમજ ઉપરથી ગેસ ભરીને આવતી ટ્રકો પણ ખાલી કર્યા બાદ બિલ ન બનતા કલાકો સુધી પડી રહે છે. સાયલા તેમજ તાલુકાના મોટાભાગે વીજ સમસ્યા હાલ માથાના દુખાવો સમાન બની ગઈ છે.