ઉત્પાદન-વાવેતરમાં ઘટાડાનો ક્રમ હોવા છતાં લસણના ભાવ ગગડયા
2021-22માં 1.92 લાખ, 2024-25માં 1.10 લાખ ટન ઉત્પાદન ગત વર્ષે ફેબુ્રઆરીમાં પ્રતિ મણ 7270 ની ઉંચાઈએ ભાવ પહોંચ્યા બાદ હવે માત્ર રૂ।. 400-780ના ભાવથી સોદા
રાજકોટ, : ગુજરાતમાં 90 ટકા ગાર્લિક આૃર્થાત્ લસણનો પાક સૌરાષ્ટ્રમાં થાય છે અને ગત પાંચ વર્ષમાં ચડ-ઉતર સાથે એકંદરે વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડાનો ક્રમ જોવા મળ્યો છે ,પાંચ વર્ષમાં સૌથી ઓછુ ઉત્પાદન ગત રવી સીઝનમાં થયું છે છતાં ચાલુ વર્ષ ઈ. 2025ના સાત મહિનામાં સુકા લસણના ખેડૂતોને મળતા ભાવ પાંચમાં ભાગના થઈ ગયા છે. દોઢ વર્ષ પૂર્વે રૂ।. 7000ની સપાટી પાર કરનાર લસણ હવે મહત્તમ 800 અને નીચે 400ના ભાવે વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે.
વાનગીને ચટાકેદાર બનાવવા ઘરની રસોઈથી માંડીને રેસ્ટોરન્ટમાં તેમજ બ્લડપ્રેસરથી માંડી અલ્ઝાઈમર સહિત અનેક રોગોના ઉપચારમાં વપરાતા લસણ એ શિયાળાની સીઝનનો પાક છે. તેનું ઉત્પાદન ગુજરાતમાં ઈ.સ. 2021-22 માં ખેડૂતોએ 26,500 હે.જમીનમાં વાવેતર કર્યું હતું અને ઉત્પાદન 1.92 લાખ ટનને પાર થયું હતું પરંતુ, ગત વર્ષ ઈ. 2024-25 માં વાવેતર ઘટીને 14620 સાથે ઉત્પાદન ઘટીને 1.10 લાખ ટન થયું હતું.
આમ છતાં ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.રાજકોટ યાર્ડમાં વર્ષારંભે જાન્યુઆરીમાં રૂ।. 1650- 3750 ના મણ લેખે વેચાયું હતું. ગત વર્ષ સાથે સરખામણી કરતા ઓગષ્ટ- 2024માં પણ રૂ।.2250 -3325 ના ભાવ જળવાયા હતા ત્યારે હવે તે ક્રમશઃ ઘટીને તાજેતરમાં રૂ।. 1000 સપાટીની નીચે ઉતરીને તઆજે રૂ।.400થી 780ના ભાવ માંડ મળે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લસણની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર 7000 કિલોની આસપાસ જળવાઈ રહી છે, ગત વર્ષે 7545 કિલોનો ઉતારો મળ્યો હતો.