સુરત: સફાઈની કામગીરીમાં દીવા તળે અંધારું જેવો ઘાટ
- પાલિકા કચેરીની પાછળના ભાગે સફાઈ પછી કરવામાં આવે છે કચરાના ઢગ
- સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં સુરત આગળ દોડી રહી છે પરંતુ કાદરશાની નાળ,, ઝાંપા બજાર, ઉગત કેનાલ રોડ સહિત અનેક જગ્યાએ હજી લોકો કચરો નાખી સુરતને સ્પર્ધામાંથી પાછળ કરી રહ્યાં છે
પ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવાર
સુરત મ્યુનિ. સ્વચ્છતા માટે ઘણી કામગીરી કરી રહી છે પરંતુ દીવા પાછળ અંધારું હોય તેમ પાલિકાની મુખ્ય કચેરી પાછળ જ લોકો સફાઈ પછી પણ કચરાના ઢગ કરી જાય છે. સુરત મ્યુનિ.એ કેન્ટેર હટાવ્યા વર્ષો થઈ ગયાં છતાં હજી કેટલાક લોકોની તે જગ્યાએ કચરો નાખવાની આદત સુધરી નથી. આવી રીતે કચરો ફેંકનાર સામે કોઈ દંડનીય કાર્યવાહી થતી ન હોવાથી સુરત ના અનેક વિસ્તારમાં ફરીથી ગંદકી જોવા મળી રહી છે.
સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અગ્રેસર દોડી રહી છે પરંતુ કેટલાક સુરતીઓ જ આ સ્પર્ધામાં સુરત શહેરને પાછળ રાખવાનું કામ કરી રહ્યાં છે. સુરત મ્યુનિ.એ શહેરને કન્ટેનર ફ્રી સીટી બનાવવા માટે અચાનક જ નિર્ણય કરીને કન્ટેનર બંધ કરી દીધા હતા. કન્ટેનર બંધ કરાયા બાદ સુરત શહેરમાં હજી પણ અેવા સ્પોટ છે જ્યાં કેન્ટેરમાં કચરો નાંખવા ટેવાયેલા લોકો કન્ટેનર ન હોવા છતાં જાહેર રસ્તા પર કચરો નાખીને ગંદકી ફેલાવી રહ્યાં છે.
સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં એકતા સર્કલથી કાદરશાની નાળ નો વિસ્તાર એવો છે કે જ્યાં પાલિકા દિવસમાં બે વખત સફાઈ કરી રહી છે. પાલિકા કર્મચારીઓ સફાઈ કરી રહ્યાં હોવા છતાં આ વિસ્તારમાં રહેતાં લોકોએ રસ્તા વચ્ચેનો ડિવાઈડર ને લોકોએ કચરા પેટી બનાવી દીધી છે. આ રસ્તા પર લોકો કાયમ કચરો નાખી ને રોડ ગંદો કરી રહ્યાં છે. આવી જ રીતે પાલનપોર કેનાલ રોડ પર પણ પશુપાલકો રોડ પર જાહેરમાં કચરો નાખી ને શહેરની સુંદરતાને ડાઘ લગાવી રહ્યાં છે. આ ઉપરાંત છે ઝાંપા બજાર, કતારગામના કન્ટેન્ચર સ્પોર્ટ, છે તે જગ્યાએ કચરો નાખી રહ્યા છે.
પાલિકાની મુખ્ય કચેરી બરાબર પાછળની દીવાલને અડીને જ કેટલાક લોકો કચરો નાખી રહ્યાં છે. આ જગ્યાએ સ્કુલ પણ આવી છે અને ધાર્મિક સ્થળ પણ આવ્યું છે તેમ છતાં લોકો પાલિકાની દીવાલને અડીને કચરો નાખે છે તેની સામે પાલિકા કોઈ આકરા પગલાં ભરતી નથી. પાલિકાની આવી નબળી કામગીરીને કારણે હવે લોકો બેફામ રીતે શહેરના રસ્તા પર કચરો ફેંકવા થયાં છે. જો પાલિકા આવા લોકો સામે દંડનીય કાર્યવાહી ન કરે અને આવી જગ્યાએ નંખાતા કચરાનું ન્યુસન્સ દુર ન કરે તો સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને બીજો ક્રમ મળ્યો છે તેના કરતાં પણ ક્રમ પાછળ જઈ શકે છે.