વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા કચરો લેવાની કામગીરીનું GPSથી મોનિટરિંગ કરાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા ઘન કચરો લેવાની કામગીરી સઘનપણે થાય તે માટે ગાડીઓમાં જીપીએસ લગાવવામાં આવશે અને તેનો અસરકારક ઉપયોગ શરૂ કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં જીપીએસ માટે કોર્પોરેશનના વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, રેવન્યુ ઓફિસરો વગેરેને જીપીએસ ટ્રેકિંગ સંદર્ભે તાલીમ આપવામાં આવી છે. હવે પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. ઉત્તર ઝોનમાં હાલ જે કોન્ટ્રાક્ટ ચાલુ છે, તે વર્ષ 2027 સુધી છે. ત્યાં નવો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ આ જ સિસ્ટમથી જીપીએસ ચાલુ કરાશે.
હાલ ઉત્તર ઝોનમાં જીપીએસ ચાલુ છે, પરંતુ કામગીરી મેન્યુઅલ થઈ રહી છે. જીપીએસ તાલીમ પૂર્ણ થયા બાદ તમામને એપ્લિકેશન આપવામાં આવશે. આ એપ્લિકેશનના આધારે કચરાની ગાડીની કામગીરીનું ટ્રેકિંગ કરાશે. કઈ ગાડીએ કયો પોઇન્ટ મિસ કર્યો છે, અને ક્યાંથી કચરો લેવાનો બાકી છે, ગાડી કચરો લેવા ત્યાં નથી ગઈ તે બધું જ કોમ્પ્યુટર પર ઝોન ઓફિસમાં બેઠા બેઠા જોઈ શકાશે. જે પોઇન્ટ મિસ કર્યા હશે, ત્યાં ગાડી ફરીથી મોકલવામાં આવશે, અને આમ છતાં પણ જો કામગીરી નહીં કરી હોય તો ઓનલાઇન બિલમાંથી કપાત કરી પેનલ્ટી કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં 15 ઓગસ્ટથી ડોર ટુ ડોર કચરાની ગાડી માટેનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હવે દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં પણ નવો કોન્ટ્રાક્ટ ફાળવાશે ત્યારે પૂર્વ ઝોનની જેમ નવી ગાડીઓ અપાશે એક ઝોનમાં 275 અને બીજામાં 180 ગાડી આપવાની થશે. હજી થોડા સમય પહેલા જ પૂર્વ ઝોનમાં પાંચ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150 કરતાં વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15માં 135 રેસિડેન્સીયલ રૂટ, 23 કોમર્શિયલ રૂટ કાર્યરત કરવામાં આવશે. કુલ 166 રૂટ કાર્યરત કરાશે. રૂટ મેપિંગ કરી તે મુજબનો કલેક્શન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સુસજ્જ વાહનો દ્વારા સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પણ તેનું મોનિટરિંગ કરાશે, અને રોજે રોજ વાહનોને ફાળવેલા રૂટ પૂર્ણ થતા તેની ખાતરી કરવા માટે રૂટ મુજબ પોઇન્ટ નક્કી કરવામાં આવશે.