VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા
Vadodara News : નવરાત્રિના પ્રારંભને હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે વડોદરામાં અચાનક થયેલા ભારે વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે. શહેરના અનેક જાણીતા ગરબા ગ્રાઉન્ડ્સ, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાઈ ગયા છે.
ગરબા ગ્રાઉન્ડ્સની હાલત કફોડી
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા યુનાઇટેડ વે સહિત અન્ય ગરબા ગ્રાઉન્ડ્સની હાલત સૌથી વધુ ખરાબ છે. આ ગ્રાઉન્ડ્સમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં આયોજકો દ્વારા ઊભા કરવામાં આવેલા મંડપ અને ડેકોરેશનને મોટું નુકસાન થયું છે. આટલી તૈયારીઓ બાદ અચાનક આવી પડેલી આ આફતથી આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદને કારણે માત્ર ગરબા ગ્રાઉન્ડ્સ જ નહીં, પણ શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી રેલવે અન્ડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 54 તાલુકામાં મેઘમહેર, રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ
આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં
નવરાત્રિની ઉજવણી માટે આતુર ખેલૈયાઓ અને આયોજકો હવે એક જ આશા રાખી રહ્યા છે કે, નવરાત્રિ શરૂ થાય ત્યાં સુધીમાં વરસાદ બંધ થાય અને ભરાયેલા પાણી ઓસરી જાય. જો આવું નહીં થાય તો આ વર્ષની ગરબાની મજા બગડી શકે છે. આ વરસાદી માહોલના કારણે શહેરમાં નવરાત્રિનો ઉત્સાહ થોડો મંદ પડ્યો છે. આશા રાખીએ કે આગામી દિવસોમાં હવામાન સ્વચ્છ રહે અને ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી શકે.