વડોદરામાં 700 થી વધુ સ્થળે ગરબાઃમહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમી

વડોદરાઃ વડોદરામાં નવરાત્રી ઉત્સવના શાનદાર પ્રારંભની સાથે સાથે સુરક્ષા રાખવા માટે તેમજ ટ્રાફિકના મુદ્દે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.
શહેરમાં ૭૦૦ થી વધુ સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાથી પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા આજે શી ટીમ અને મહિલા પોલીસને જુદાજુદા ગરબા ગ્રાઉન્ડો પર ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેવા અને ગરબા ઘૂમવા કહેવાયું છે.
રોમિયોગિરી કરતા તત્વો પર નજર રાખવા માટે મહિલા પોલીસ ઉપરાંત પોલીસ જવાનોની ટીમો તેમજ ઘોડેશ્વાર પોલીસ દ્વારા પણ સોસાયટીના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.
આ ઉપરાંત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા પણ રોજેરોજ ગરબા ગ્રાઉન્ડો પર ચેકિંગ કરવામાં આવનાર છે.પોલીસ દ્વારા ગરબા ગ્રાઉન્ડો પર પણ આયોજકોને સુરક્ષા વ્યવસ્થા સંભાળવા તાકિદ કરવામાં આવી છે.
નોરતાના પહેલા જ દિવસે અટલાદરામાં ચક્કાજામ,એમ્બ્યુલન્સ ફસાઇ
નવરાત્રી દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની પુરેપુરી શક્યતા હતી.જેથી પોલીસ કમિશનરે પોલીસની સાથે સાથે ગરબાના આયોજકોને પણ પાર્કિંગ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે મદદરૃપ થવા કહ્યું હતું.શહેરમાં તમામ ગરબા ગ્રાઉન્ડોની આસપાસ તેમજ તેના રૃટ પર પોલીસ ગોઠવાઇ હોવા છતાં અનેક સ્થળે પહેલા જ નોરતાએ ટ્રાફિક જામના દ્શ્યો સર્જાયા હતા. અટલાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા ટ્રાફિક રાબેતા મુજબનો કરવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી.